(એજન્સી) કર્ણાટક, તા.૭
કર્ણાટક હાઈકોર્ટે બુધવારે અઢારમી સદીના મહાન શાસક ટીપુ સુલતાનની જયંતી પર આયોજિત થનાર સમારોહ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, અરજદારો દ્વારા કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અપીલ કરવામાં આવી હતી કે ૧૦ નવેમ્બરના રોજ યોજાનાર ટીપુ જયંતી સમારોહ પર રોક લગાવવામાં આવે. ટીપુ સુલતાનની જયંતી પર આયોજિત થનાર સમારોહને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર ૧૦ નવેમ્બરના રોજ ટીપુ સુલતાન જયંતીની ઉજવણી કરવા જઈ રહી છે જેનો ભાજપ વિરોધ કરી રહ્યા છે. ભાજપ નેતા અને મોદી સરકારમાં કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી અનંતકુમાર હેગડેએ પાછલા દિવસોમાં ટીપુ સુલતાનને બળાત્કારી અને ક્રૂર હત્યારા કહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, આવા વ્યક્તિના જન્મ દિવસની ઉજવણી કરવી શરમજનક છે જે ક્રૂર હત્યારા રહ્યા છે અને જેણેે મોટી સંખ્યામાં મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો. તેમણે રાજ્ય સરકારને કહ્યુ કે, ટીપુ જયંતીના કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓની યાદીમાંથી તેમનું નામ હટાવ્યું છે. હેગડેના વિવાદિત નિવેદન પર ટીપુ સુલતાનના વંશજ ‘અપમાનજનક’ ટિપ્પણીઓ પર કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે. ટીપુના પુત્ર મનીરૂદ્દીનના વંશજોમાંથી એક બખ્તિયાર અલીએ મંત્રીની ટિપ્પણીને પાયાવિહોણી અને શરમજનક ગણાવતા કહ્યું કે આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે. તે પોતાના રાજકીય સ્વાર્થ માટે આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. અલીએ કહ્યું કે, અમે વકીલોની સલાહ લઈ રહ્યા છીએ અને તેમની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થાય તેમ અમે ઈચ્છીએ છીએ. અમે તેમની વિરૂદ્ધ માનહાનિની અરજી દાખલ કરી શકીએ છીએ. તેમનો દાવો છે કે ટીપુ સુલતાન કન્નડ ભાષા અને હિન્દુ વિરોધી હતા. આ સાથે જ કર્ણાટકની કોંગ્રેસ સરકારે બિનસત્તાવારરૂપે ટીપુ જયંતીને હાઈજેક કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તમામ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરને મૌખિક આદેશ આપ્યો છે કે કોઈને પણ ટીપુ સુલતાનની જયંતી ખાનગી રીતે ઉજવવાની પરવાનગી આપવામાં નહીં આવે. ખાનગી કે જાહેર કોઈપણ પ્રકારના કાર્યક્રમ યોજીને બિનસરકારી લોકોને ટીપુ જયંતી ઉજવવાની પરવાનગી નથી. સામાજિક નેતા સરકારના આ નિર્ણયનો સખ્ત વિરોધ કરી રહ્યા છે, સામાજિક સંગઠનોનું કહેવું છે કે, સરકારી સ્તર પર ટીપુ જયંતીના આયોજનનું કથિત ફરમાન અલોકતાંત્રિક છે.