(એજન્સી) બેંગ્લુરુ, તા. ૧૦
મુંબઇની હોટેલમાં રોકાયેલા કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર પહોંચતા બુધવારે પણ કર્ણાટકની રાજકીય અસ્થિરતા ચાલુ રહી હતી. જોકે, તેમને અંદર જવા દીધા ન હતા અને મુંબઇ પોલસે તેમને ઘેરીને ગેટમાં ઘૂસતા રોક્યા તથા સાંતાક્રૂઝના કાલિના યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં લઇ ગઇ હતી. મુંબઇની હોટેલમાં રોકાયેલા ૧૦ ધારાસભ્યોએ મંગળવારે મુંબઇ પોલીસ પ્રમુખને પત્ર લખીને જણાવ્યું હતું કે, શિવકુમારની મુલાકાત ટાણે તેમને જીવનું જોખમ છે. ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી કુમારસ્વામી કે શિવકુમારને મળવા માગતા નથી અને પોલીસને વિનંતી કરી હતી કે, તેઓ જે હોટેલમાં રોકાયા છે ત્યાં તેમને પ્રવેશવા ના દે. દરમિયાન કુમારસ્વામીએ ટિ્‌વટ કર્યું હતું કે, ધારાસભ્યોને ધક્કે ચડાવવા એ મુંબઇ પોલીસનું ત્રાસજનક અને અણછાજતું વર્તન છે. મહારાષ્ટ્ર સરકારના આ ઉતાવળિયા પગલાથી ભાજપ સોદાબાજીમાં સામેલ હોવાની શંકા પ્રબળ બને છે. આપણા દેશના સ્થાપિત પ્રજાસત્તાક પર આ કાળી ટીલી છે.