(એજન્સી) બેંગલુરૂ, તા. ૬
જેડીએસના નેતા એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યાના પખવાડિયા બાદ બુધવારે ૨૫ પ્રધાનો સાથે તેમની કેબિનેટનું પ્રથમ વાર વિસ્તરણ કર્યું છે. કોંગ્રેસ અને જેડીએસે ભારે ચર્ચાઓ અને સોદાબાજીના સપ્તાહો બાદ પ્રધાનો અંગે નિર્ણય લીધો છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કોંગ્રેસ, જેડીએસ અને બસપ સહિતના કુલ ૨૫ ધારાસભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં જેડીએસના ૯ અને કોંગ્રેસના ૧૪ પ્રધાનોએ શપથ લીધા છે. જ્યારે અન્ય બે પ્રધાનો બસપ અને કેપીજેપીના છે. આ વિસ્તરણ સાથે કુમારસ્વામી કેબિનેટની સભ્ય સંખ્યા ૨૭ થઇ ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના શિકારથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે પણ પ્રધાન તરીકે શપથ લીધા છે. રાજ્યના મુખ્યપ્રધાન કુમારસ્વામીના ભાઇ એચડી રેવન્નાએ પ્રધાન તરીેકે પ્રથમ શપથ લીધા હતા. કોંગ્રેસના કૃષ્ણ બયરેગોવડા અને કેજે જ્યોર્જે પણ પ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યારે પ્રધાન તરીકે શપથ લેનારાઓમાં જેડીએસના એસઆર શ્રીનિવાસ અને ડીસી થમન્નાનો પણ સમાવેશ થાય છે. બંને નેતાઓ પ્રથમ વાર પ્રધાન બન્યા છે. કોંગ્રેસના નેતાઓ એનએચ શિવશંકર રેડ્ડી અને રમેશ ઝારકીહોલીને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખગડએ પણ શપથ લીધા છે. બસપના એક માત્ર ધારાસભ્ય એન.મહેશ પણ પ્રધાન બની ગયા છે. કર્ણાટકના ચૂંટણીપરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કરનારા રાનીબેન્નુરના અપક્ષ ઉમેદવાર આર.શંકરને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. સત્તા વહેંચણીની સમજૂતી મુજબ કોંગ્રેસના ૨૨ પ્રધાનો જ્યારે જેડીએસના મુખ્યપ્રધાન સહિત ૧૨ પ્રધાનો કેબિનેટમાં રહેશે.