(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૩
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારના વિધાનસભામાં મંગળવારે પારખા થયા હતા જેમાં ગઠબંધન સરકારે વિશ્વાસનો મત ગુમાવતા હવે સરકાર પડી ભાંગી છે. આ પહેલાં છેલ્લા કેટલાક દિવસના સતત બદલાતા ઘટનાક્રમ બાદ આજે સાંજે ૭ઃ૩૦ વાગે મુખ્યમંત્રીના અંતિમ ભાષણ બાદ વિશ્વાસનો મત લેવાયો હતો જેમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ફકત ૯૯ મતો મળ્યા હતા જ્યારે ભાજપને ૧૦પ મતો મળ્યા હતા. બીજી તરફ ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કુમારસ્વામીએ વિશ્વાસમત પહેલાં જણાવ્યું હતું કે, પરિણામ આવ્યા બાદ હું રાજકારણ છોડવા તૈયાર હતો. મારું રાજકારણમાં આવું પણ અપેક્ષિત ન હતું. લોકો એવી પણ ચર્ચા કરતાં હતા કે, હું ખુરશી સાથે કેમ ચોંટેલો છું. હું રાજીખુશીથી પદ છોડવા તૈયાર છું. મારી સરકાર બેશરમ નથી હું તો પહેલાંથી જ રાજીનામું મારા ખિસ્સામાં મૂકીને આવ્યો હતો. દરમિયાન મતદાન પહેલાં બળવાખોર ધારાસભ્યએ સ્પીકરને પત્ર લખીને માગણી કરી હતી કે, તેમને મળવા માટે ૪ અઠવાડિયાનો સમય આપ્યો હતો. આ બળવાખોર ધારાસભ્યોને સ્પીકરે સોમવારે મળવા માટે નોટિસ પાઠવી હતી. દરમિયાન સુપ્રીમકોર્ટમાં આ ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે. સદનમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ભાજપ પર ધારાસભ્યોનો હોલસેલ વેપાર કરવા અને લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને સત્તાધારી ભાજપ અસ્થિર કરવા માંગે છે. પહેલાં રિટેલ વેપાર દ્વારા એક કે બે ધારાસભ્યોને ખરીદાતા હતા. હવે તો રપથી પ૦ કરોડ આપીને હોલસેલમાં ધારાસભ્યોને ખરીદવામાં આવે છે. આ દરમિયાન ચર્ચા વખતે કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમારે કહ્યું હતું કે, ભાજપને ખુરશી જોઈએ છે તો તે સ્વીકાર કેમ નથી કરતો ? તેઓ ઓપરેશન કમલની વાત કેમ નથી માનતા ? તેમણે ધારાસભ્યો સંપર્કમાં હોવાની બાબતનો સ્વીકાર કરવો જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા ગૌડાએ જણાવ્યું હતું કે, સ્પીકર વિશ્વાસમત માટે મતદાન પહેલાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય કરે. આ દરમિયાન મતદાન પહેલાં કર્ણાટક વિધાનસભાની અંદર અને બહાર ભારે તંગદિલી વ્યાપી હતી. અપક્ષ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવા માટે કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આ ખેંચતાણ વચ્ચે બન્ને પક્ષોના સમર્થકોમાં હિંસક અથડામણો થઈ હતી. સ્થિતિને જોતાં સરકારે સમગ્ર બેંગ્લુર શહેરમાં ધારા ૧૪૪ લાગુ કરી દીધી હતી.

કર્ણાટક કટોકટી : વિશ્વાસ મત પહેલાં કુમારસ્વામીનું અંતિમ ભાષણ હું લોકોની માફી માંગું છું

કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા મુખ્યમંત્રી કુમારસ્વામીએ ગૃહમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હું અકસ્માતે રાજકરણમાં આવી ગયો હતો. હું હંમેશા રાજકરણથી દુર રહેવા માંગતો હતો. મારી પત્નીએ પણ લગ્ન દરમ્યાન મને કહ્યું હતું કે તે એક રાજકરણી સાથે લગ્ન નહીં કરે. પરંતુ હાલમાં તે પણ ધારાસભ્ય છે. આ વ્યસ્તવિકતા છે. હું ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવું છું હું પ્રોડયુસર હતો. કુમારસ્વામીએ કહ્યું હતું કે, હું કર્ણાટકના લોકોથી માફી માંગુ છું. સ્પીકર સર જો તમારી લાગણી દુભાઈ હોય તો હું તમારી પણ માફી માગુ છું. હું છેલ્લા ૧૦ દિવસના ઘટનાક્રમ વિશે વાત કરવા માગતો નથી. ક્રિષ્ના બિરેગૌડાએ આ વિશેના કાયદાકીય, બંધારણીય પાસાઓ વિશે વિસ્તૃત વાત કરી છે.