(એજન્સી) બેંગ્લુરુ, તા. ૨૫
કોંગ્રેસ અને એચડી કુમાસ્વામીની ગઠબંધન સરકાર તોડી પાડનારા ૧૫ બળવાખોર ધારાસભ્યો અંગે સ્પીકરના નિર્ણય આવવા સુધી સરકાર રચવા માટે ભાજપ દાવો કરવાનું વિચારી રહ્યો નથી. અહેવાલોમાં જણાવાયું હતું કે, ભાજપના પ્રવક્તા જી મધુસુદને રાહ જોવા કહ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આવી સ્થિતિમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાઇ શકે છે. ભાજપના રાજ્ય પ્રવક્તા મધુસુદને કહ્યું છે કે, જો વિધાનસભા અધ્યક્ષ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરવા અથવા તો ફગાવી દેવાના સંદર્ભમાં વધારે સમય લે છે તો રાજ્યપાલ વજુભાઈ વાળા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી શકે છે. અમે આ પ્રકારની સ્થિતિમાં સરકાર બનાવવા માટે દાવો કરવા ઇચ્છુક નથી. પાર્ટી વિધાનસભા અધ્યક્ષના અયોગ્ય કરાર જાહેર કરવાને લઇને અસ્પષ્ટ સ્થિતિ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી જુલાઈના દિવસે પોતાના આદેશમાં કહ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ અસંતુષ્ટોના રાજીનામાના મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે પરંતુ અસંતુષ્ટોએ વિધાનસભામાં મતદાનમાં ભાગ લીધો ન હતો. ૧૧મી જુલાઈથી તેમના રાજીનામા અંગેના નિર્ણયો પેન્ડિંગ પડેલા છે. રાજીનામાના નિર્ણયમાં વિલંબ થશે તો અસંતુષ્ટો ફરીવાર સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. ૧૦મી જુલાઈના દિવસે વિધાનસભા અધ્યક્ષને તરત રાજીનામા સ્વીકારી લેવા માટે આદેશ કરવાની માંગ કરી અરજી કરવામાં આવી હતી.