(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૩
જ્યારે બધા રાજકીય નાટકનો અંત આવી ગયો અને એચડી કુમાસ્વામીએ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે દિલ્હી સુધી સ્પષ્ટ રીતે આ મેળાવડા પાછળનો સંદેશ પહોંચી ચૂક્યો છે. શપથગ્રહણ સમારોહ એનડીએ વિનાના વિપક્ષ દ્વારા શક્તિ પ્રદર્શનમાં ફેરવાઇ ગયો હતો. કેરળના પિનરાઇ વિજયનથી પશ્ચિમ બંગાળના મમતા બેનરજી સુધીના રાજ્યોના મુખ્યમંત્રીઓ, યુપીએના પૂર્વ સાથીઓ તથા ત્રીજા મોરચા જેવા એનસીપી તથા સીપીઆઇએમના નેતાઓ કે જેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે એકજૂથ થયા હતા. આ યાદી ઘણી લાંબી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના માયાવતી, આઇયુએમએલના કુનહલ્લીકુટ્ટી અને શરદ યાદવ પણ મંચ પર હાજર રહ્યા હતા. વરિષ્ઠ પક્ષો ઉપરાંત નવી પાર્ટી સાથે રાજકારણમાં ઉતરેલા કમલ હાસન પણ હાજર રહ્યા હતા. હવે જ્યારે કેટલાક મહિના જ બાકી છે ત્યારે ૨૦૧૯માં જો આ વિપક્ષ પોતાની એકતા સાથે મેદાનમાં ઉતરે તો મોદી સરકારને અસર કરી શકે છે. કર્ણાટકનો કાર્યક્રમ આ વિપક્ષ માટે પાવરપ્લે બની શકે છે જ્યારે તેઓ ભૂતકાળ ભૂલાવીને એક મંચ પર આવી જાય. ફક્ત તેમણે એટલું જ વિચારવાનું છે કે, તેઓએ ફક્ત ભાજપ સામે લડવાનું છે. કોંગ્રેસે જે રીતે વધુ બેઠકો હોવા છતાં અને ચૂંટણી પ્રચારમાં જેડીએસની વિરૂદ્ધ પ્રચાર કર્યો હોવા છતાં તેને સમર્થન આપ્યું હોવાથી કેટલાક નિષ્ણાત એવું પણ માની રહ્યા છે કે, આ ગઠબંધન કદાચ લાંબુ ન ટકી શકે. જોકે આ બંને પક્ષોએ જાહેરાત કરી છે કે, તેઓએ આંતરિક મુદ્દા પાછળ રાખી કોમવાદી તત્વોને સત્તાથી દૂર રાખવા માટે ગઠબંધન કર્યું છે.