(એજન્સી) બેંગ્લુરૂ, તા.૪
કર્ણાટક ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન જયાનગર વિધાનસભા બેઠકથી બે ટર્મ માટે ધારાસભ્ય રહી ચુકેલા ઉમેદવાર બી.એન. વિજયકુમારનું નિધન થયું છે.
પ્રચાર અભિયાન દરમિયાન ગુરૂવારે સાંજે ૫૯ વર્ષીય વિજયકુમાર અચાનક પડી ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયદેવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં કેટલાક કલાકો સુધી તેમનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ કોશિશો કરી હતી. પરંતુ બી.એન. વિજયકુમારનો જીવ બચાવી શકાયો નહીં અને મોડી રાત્રે લગભગ એક વાગ્યે ભાજપના નેતાએ આખરી શ્વાસ લીધો હતો. જણાવવામાં આવે છે કે વિજયકુમારનું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું છે. વિજયકુમારના નિધન મામલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. કર્ણાટક ભાજપની મહિલા કાર્યકર્તાઓ સાથે નમો એપ દ્વારા કરવામાં આવેલી વાતચીતમાં ભાજપના ઉમેદવારના નિધન પર તેમણે સંવેદનાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી સિવાય તમામ ભાજપના નેતાઓએ વિજયકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.