(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય કટોકટીમાં રાજ્યના બળવાખારો ધારાસભ્યોની અરજી પર સુપ્રીમકોર્ટે બુધવારે પોતાનો વચગાળાનો આદેશ આપી દીધો છે. ચુકાદામાં સુપ્રીમકોર્ટે જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યો ગુરૂવારે કર્ણાટક વિધાનસભામાં યોજાનાર વિશ્વાસના મતમાં સામેલ થવા માટે બંધાયેલા નથી. ધારાસભ્યો પાસે સત્રમાં સામેલ નહીં થવાનો વિકલ્પ છે. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે વિધાનસભા સ્પીકરને નિશ્ચિત સમયમાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા માટે મજબૂર કરી શકાય નહીં. કોર્ટના આ ચુકાદા બાદ ગુરૂવારે જો બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ભાગ નહીં લે તો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના લઘુમતીમાં આવવાનો ખતરો વધી ગયો છે. આવી પરિસ્થિતિમાં હવે બધાની નજર ગુરૂવારે વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટ પર છે. નોંધનીય છે કે બળવાખોર ધારાસભ્યોએ આરોપ મુક્યો હતો કે વિધાનસભા સ્પીકર તેમના રાજીનામા સ્વીકારી રહ્યા નથી. આ બાબતની વિરૂદ્ધમાં ધારાસભ્યો સુપ્રીમકોર્ટમાં ગયા હતા. ત્યાર પછી સુપ્રીમકોર્ટે બળવાખોર ધારાસભ્યોને સ્પીકર સાથે મુલાકાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બળવાખોર ધારાસભ્યો સ્પીકરને મળીને મુંબઇ પરત આવી ગયા હતા.
સુપ્રીમકોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની રજૂઆત કરનાર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે સુપ્રીમકોર્ટે પોતાના ચુકાદામાં બે મહત્વની વાતો કહી છે. ચુકાદા મુજબ ૧૫ બળવાખોર ધારાસભ્યો ગુરૂવારે વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા માટે બંધાયેલા નથી. સાથે જ કોર્ટે બધા ધારાસભ્યોને એવી છૂૂટ પણ આપી છે કે જો તેઓ ઇચ્છે તો ગુરૂવારે વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થઇ શકે છે. મુકુલ રોહતગીએ એવું પણ કહ્યું કે આ મામલા પર આગામી તારીખે અંતિમ ચુકાદો થશે. મંગળવારે સુપ્રીમકોર્ટમાં આ મામલાની સુનાવણી થઇ હતી અને કોર્ટે બધા પક્ષકારોને સાંભળીને પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
કર્ણાટક : સુપ્રીમકોર્ટે વિશ્વાસ મત અંગે
બળવાખોર ધારાસભ્યોને પસંદગીની તક આપીને
પક્ષાંતર વિરોધી કાયદાને ઓછો આંક્યો
સુપ્રીમકોર્ટે કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોના કેસમાં આપેલા વચગાળાના એક અભૂતપૂર્વ ચુકાદામાં બે મહત્વના આદેશ આપ્યા છે. સુપ્રીમકોર્ટના આ બંને આદેશોની બંધારણના ૧૦મા પરિશિષ્ટમાં જણાવવામાં આવેલા પક્ષાંતર વિરોધી કાયદા પર ગંભીર અસર થઇ શકે છે. સર્વપ્રથમ સુપ્રીમકોર્ટે નિર્ધારિત સમયગાળામાં ૧૫ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવાનો કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના બળવાખોર ધારાસભ્યોએ જુલાઇના પ્રથમ સપ્તાહમાં સ્પીકરને પોતાના રાજીનામા સુપરત કરી દીધા હતા. જો વિધાનસભામાંથી બધા બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવે તો કોંગ્રેસ-જેડીએસ સરકાર લઘુમતીમાં મુકાઇ જશે. વિધાનસભાની સભ્ય સંખ્યા ઘટવાથી ભાજપની સરળતાથી બહુમતી થઇ જશે.
કર્ણાટક કટોકટી : કોંગ્રેસે કહ્યું : વ્હિપને રદ કરતો સુપ્રીમકોર્ટનો આદેશ ‘ખરાબ ન્યાયિક દાખલો’ બેસાડ્યો
કર્ણાટકની રાજકીય કટોકટીમાં વ્હિપને રદ કરતા અને લોકચુકાદા સાથે વિશ્વાસઘાત કરનારા ધારાસભ્યોને સંપૂર્ણ સુરક્ષા આપતા સુપ્રીમકોર્ટના આદેશ અંગે કોંગ્રેસે જણાવ્યું કે સુપ્રીમકોર્ટનો આ ચુકાદાએ એક ‘ખરાબ ન્યાયિક ઉદાહરણ’ રજૂ કર્યું છે. સુપ્રીમકોર્ટે બુધવારે જણાવ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૫ બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના ચાલુ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવા માટે ફરજ પાડી શકાય નહીં અને બળવાખોર ધારાસભ્યોને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવો કે નહીં, તેનો વિકલ્પ આપવો જોઇએ. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી બેંચે જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશકુમાર પોતાના દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી અવધિ દરમિયાન બળવાખોર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ તેમના શ્રેણીબદ્ધ ટિ્વટમાં જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યોને જેવી રીતે સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે તે અગાઉ ક્યારેય પણ સાંભળવામાં આવી નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું આદેશનો એવો અર્થ થાય છે કે વ્હિપ ક્યારે લાગુ થશે, તે નક્કી કરીને કોર્ટ રાજ્ય વિધાનમંડળની કામગીરીમાં હસ્તક્ષેપ કરી શકે છે.
Recent Comments