(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કર્ણાટકના દક્ષિણ કન્નડ અને ઉડિપીના કાંઠાળા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ઘણા વિસ્તારોનો સંપર્ક કપાયો છે. જિલ્લા તંત્રોએ આગામી બે દિવસ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, મેંગ્લુરમાં પાણીમાં ફસાયેલા લોકો અને શાળાના બાળકોને બચાવવા માટે બોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓ પણ પાણીમાં ફસાઇ ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડના લાશ્કરો, બચાવ કર્મીઓ અને સ્થાનિક લોકોની મદદથી બાળકોને બહાર કઢાયા હતા. દરમિયાન બૈકમપાડી ઔદ્યૌગિક વિસ્તારમાં પાણી ભરાવાને કારણે ઘણું નુકસાન થયું હતું. કારખાના માલિકોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દશકોથી અમે આ સ્થિતિ જોઇ નથી. કેટલીક જગ્યાએ જૂના મકાનો પડી જવાની પણ ઘટનાઓ બની હતી. વરસાદી પાણી અંડરબ્રિજમાં ભરાતા અસંખ્ય વાહનો ફસાયા હતા. વરસાદ અને પૂરની સૌથી વધુ અસર મેંગ્લુર અને બાંટવાલ તાલુકાઓમાં થઇ હતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હજુ પણ તોફાન અને આંધીનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, ગંગાટીક, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આંધી તોફાનની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આવતીકાલે ગુરુવારના દિવસે આ જગ્યા ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર અને ઓરિસ્સામાં તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. સોમવાર અને મંગળવારના દિવસે ઉત્તરપ્રદેશ અને બિહારમાં મોટાપાયે તોફાનના કારણે નુકસાન થયું હતું. મે મહિનામાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક વાવાઝોડા આવી ચૂક્યા છે. દિલ્હીમાં ધૂળ ભરેલી આંધી ઉપરાંત હળવો વરસાદ પણ પડી શકે છે. મે મહિનામાં પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૧૩૦થી પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૩૧૮ ઉપર પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો હતો.જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોનાં મોત થયા હતા. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭નાં મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬નાં મોત થયા હતા. છેલ્લા પાંચ સપ્તાહમાં ઉત્તર ભારતમાં તોફાન અભૂતપૂર્વ રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ ઉત્તરભારતમાં વરસાદ અને વાવાઝોડું આવતું રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સામાન્ય રીતે આ સ્થિતિ સર્જાય છે પરંતુ આ વખતે વહેલીતકે આ સ્થિતિ જોવા મળી રહી છે.