(એજન્સી) બેંગલુરૂ , તા.૧૭
કર્ણાટકમાં ગમે તેમ કરીને કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પાડી દેવા માટે જે થઇ રહ્યું છે તે નિર્લજ્જપણે ગેરબંધારણીય છે. કર્ણાટકમાં શાસક અને વિપક્ષ દ્વારા એક-બીજાના ટાંટિયા ખેંચવામાં ધારાસભ્ય વેપારની વસ્તુ બની ગયા છે. ધારાસભ્યોને હરીફ જૂથોથી બચાવવા અને પોતાની સભ્ય સંખ્યા જાળવી રાખવા માટે સ્પેશિયલ વિમાનોમાં ધારાસભ્યોને બહાર મોકલવામાં આવી રહ્યા છે અને તેમને વૈભવી રિસોટ્‌ર્સ અને ફાઇવ સ્ટાર હોટલોમાં રાખવામાં આવી રહ્યા છે. વિભિન્ન ચુકાદોઓ મુજબ ધારાસભ્ય જાહેર સેવક છે. ધારાસભ્યને એક પક્ષમાંથી બીજા પક્ષમાં લઇ જવા માટે કેબિનેટમાં પ્રધાનપદ અને જંગી નાણાની ઓફર એક પ્રકારની લાંચ છે. ગઠબંધન સરકાર ઉથલાવવા માટે ધારાસભ્યોને લાંચ આપવાના ગુનાઇત પ્રયાસની ઘણીબધી વીડિયો ક્લિપ્સ અને મીડિયાના અહેવાલો સમગ્ર દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. જાહેર સેવકને લાંચની ઓફર ગુનો આચરવાનો એક પ્રયાસ છે અને તે સજાપાત્ર છે.