અમદાવાદ,તા.૨૨
તાજેતરમાં રાજપથ કલબમાં સ્વિમિંગ કોચ દ્વારા બાળકીઓને માર મારવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાનો વિવાદ હજુ શાંત પડે તે પહેલાં જ કર્ણાવતી કલબમાં મહિલા સફાઇ કર્મચારીની છેડતીનો કિસ્સો બહાર આવ્યો છે, પરંતુ કલબના સંચાલકો-હોદ્દેદારો સબસલામત હોવાનો દાવો કરી રહ્યા છે.
કર્ણાવતી કલબના પ્રમુખ જયેશ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે સફાઇ કર્મચારી તરફથી હજુ સુધી અમારા પાસે કોઇ જ ફરિયાદ આવી નથી. આમ છતાં કલબના તમામ સીસીટીવી ચેક થઇ રહ્યા છે. જિગર શ્રીમાળી કલબના સુપરવાઇઝર છે. કલબમાં અત્યારે ભયમુક્ત વાતાવરણ છે.
આંતરિક વિખવાદને લઇને આવું બની શકે છે. અમને મીડિયા દ્વારા જાણ થઇ છે. ઘટના દશ દિવસ પહેલાંની છે કોઇ પણ મહિલા માટે આવી કોઇ પણ બાબત ચલાવી લેવાશે નહીં આ ઘટનાની પૂરી તપાસ કરવામાં આવશે અને તે સંબંધિત કોઇ પણ બાબતે ચોક્કસ તેની ગંભીરતાપૂર્વકની નોંધ અને કડક પગલા લેવામાં આવશે તો ચોક્કસ તેની ગંભીરતાપૂર્વક નોંધ અને પગલા લેવામાં આવશે. કર્ણાવતી કલબની ઘટનામાં મહિલા સફાઇ કર્મચારીની કલબની અંદર સફાઇકામ કરતી વખતે હાથ પકડીને તેની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે સીસીટીવીમાં છે, જેનો વીડિયો પણ વાઇરલ થયો છે, પરંતુ આ ઘટના બાબતે કોઇ કશું બોલવા તૈયાર નથી.