National

કરણી સેનાની માંગ : ‘પદ્માવતી’ને હંમેશાને માટે બંધ કરવાનો આદેશ આપે સરકાર

(એજન્સી) જયપુર, તા.રર
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને સવર્ણ અનામતના મુદ્દાનો સામનો કરવો પડી શકે છે. ફિલ્મ પદ્માવતીનો વિવાદ શાંત થયા બાદ રાજપૂત કરણી સેનાએ અજમેરમાં મોટી રેલીનું આયોજન કરીને અનામતની માગણી કરી છે. રાજસ્થાનમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં રાજપૂત એકવાર ફરીથી કરણી સેનાના બેનર હેઠળ અનામતની માગણીને લઈને રેલીઓ યોજવા લાગ્યા છે. અજમેરમાં આગામી મહિને લોકસભાની પેટાચૂંટણી યોજાનાર છે. રાજપૂતોએ કરણી સેનાના બેનર હેઠળ અજમેરમાં રેલી યોજીને સરકારને ચેતવણી આપી છે કે, કરણી સેનાની માગણીઓ પર કરવામાં આવે નહીં તો પેટાચૂંટણીમાં રાજપૂતો બીજેપીને મત આપશે નહીં. કરણી સેનાએ સરકારની સામે માગણી મૂકી છે કે, ગરીબ ભાગેડુઓના અનામત માટે જોગવાઈ કરવામાં આવે. સાથે જ તેમણે માગણી કરી છે કે, સરકાર ફિલ્મ પદ્માવતીને હંમેશા માટે બંધ કરવાનો આદેશ બહાર પાડે. આ ઉપરાંત આનંદ પાલ અને ચતુરસિંહ જેવા એન્કાઉન્ટરોની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાના સરકાર પોતાના વચનો પૂરા કરે. તેમણે ધમકી આપતા કહ્યું કે, જો આ માગણીઓનો અસ્વીકાર કરવામાં આવ્યો તો આવનારી પેટાચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં કરણી સેના બીજેપીનો વિરોધ કરશે. ખાસ વાત એ છે કે, આ રેલીમાં મોટી સંખ્યામાં જેલમાં બંધ હરિયાણાના ગુરુ રામપાલના સમર્થક પણ પહોંચ્યા, જેમણે કરણી સેનાને સમર્થન આપવાનું એલાન કર્યું.