સુરત, તા.૨૬
કેન્દ્રની એનડીએ પ્રેરિત સરકાર પ્રજાને ઓનલાઇન નેટ બેકિંગ કે ઇ-પેમેન્ટના માધ્યમથી નાણાકીય વ્યવહાર કરવા માટે પ્રેરી રહી છે. જે માટે ખુદ કેન્દ્ર સરકાર સમયાંતરે કરોડો રૂપિયાની જાહેરાતો પણ પ્રકાશિત કરતી રહે છે. જ્યારે બીજી તરફ ખાટલે મોટી ખોટની જેમ બેંકિંગનો દરજજો ધરાવતી પોસ્ટ ઓફિસનો નાણાકીય વ્યવહાર તો ઓનલાઇન થયો જ નથી. તેમાય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પોસ્ટ ઓફિસનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા, પોસ્ટ ખાતામાં કરોડો રૂપિયાનું રોકાણ કરનારી પ્રજાને પાડાના વાંકે પખાળીને દામ આપવા જેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી પોસ્ટ ઓફિસનો એસબીઆઇ સાથેનો બેંકિંગ વ્યવહાર ખોરવાયો છે. જેને કારણે સુરતની પોસ્ટ ઓફિસ કે જે રોજિંદા સરારેશ પ૦૦થી વધુ ચેકો ઇસ્યુ કરે છે. તે એનએસએસ સહિતની વિવિધ સ્કીમોમાં રોકાણ કરનારી પ્રજાને પાકતી મુદ્દતે રૂપિયા આપવા આજની તારીખે અસમર્થ બની ગઇ છે. સુરત શહેર પોસ્ટ વિભાગની નાનપુરા સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસના જવાબદારો તો ત્યાં સુધી કહે છે કે, ચેક જોઇતા હોય, તો લઇ જાઓ, પાસ કરાવવાની જવાબદારી તમારી રહેશે. રિટર્ન થાય તો અમારી કોઇ જવાબદારી રહેશે નહીં, પોસ્ટ ખાતાની આ તે કેવી વિદંબના !!! જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પોસ્ટ ઓફિસની વિવિધ સ્કીમમાં લોકો કરોડો રૂપિયાનું રોકાણ કરે છે. બેન્કો ઉપર વિશ્વાસ નથી હોતો, એનાથી વધુ વિશ્વાસ સરકારી પોસ્ટ ઓફિસ ઉપર ધરાવે છે. પરંતુ પોસ્ટ કચેરીના બેજવાબદાર અધિકારી, સ્ટાફની લાલિયાવાડી કહો કે ગેરવહીવટને કારણે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારા લોકોને આજે રડવાનો વારો આવ્યો છે. પાકતી મુદ્દતે પોતાનું રોકાણ લેવા જનારા લોકો આજે પોસ્ટ ઓફિસના ધક્કા ખાઇ રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી પોસ્ટ ઓફિસનો નાણાકીય વ્યવહાર ખોરંભે પડી ગયો છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભૂલ કહો કે, પોસ્ટ ઓફિસની ભૂલ, પરંતુ ભોગવવાનું રોકાણ કરનારી પ્રજાને આવી રહ્યું છે. સુરતના પોસ્ટ વિભાગના નાનપુરાની પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારી મીતાબેન શાહના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમને ડુપ્લિકેટ ચેકબૂક આપી છે. જેના કારણે ઓનલાઇન નંબરો મેચ થતા ન હોવાથી ચેકો પાસ થતા નથી. આ અંગે પોસ્ટ ઓફિસના ડાયરેક્ટર તથા કેન્દ્ર સરકાર સહિતના તમામ કક્ષાએ સ્થાનિક સ્તરેથી લેખિત જાણ પણ કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આડોડાઇના કારણે સુરતની એચઓનું બેંક ખાતું પણ એસબીઆઇ વાળા ખોલતા નથી. ટુંકમાં બેંકવાળા અમને જરા પણ મચક આપતા નથી. આ પરિસ્થિતિ ક્યાં સુધી રહેશે તે હાલ કહેવું મુશ્કેલ છે. જેના કારણે પોસ્ટ ઓફિસના રોકાણકારોને મુશ્કેલીઓ પડી રહી છે.