અમદાવાદ,તા. ૨૩
કરોડો રૂપિયાનું ગેરકાયદે રીતે ધિરાણ કરવાના પાંચ અલગ-અલગ કેસમાં નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના તત્કાલીન રિજિયોનલ મેનેજર રામઅવતાર અગ્રવાલ અને એકાઉન્ટન્ટ રોહિત ધીંગરાને અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે અનુક્રમે ત્રણ અને બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે બંને આરોપી અધિકારીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તમામ પાંચ કેસોમાં આરોપી રિજિયોનલ મેનેજર રામઅવતાર અગ્રવાલને ત્રણ વર્ષની સજા અને એકાઉન્ટન્ટ રોહિત ધીંગરાને બે વર્ષની સજા સીબીઆઇ કોર્ટે ફટકારી હતી. જો કે, સજાના આ હુકમ સામે અપીલ કરવી હોઇ બંને આરોપી અધિકારીઓએ જામીન માંગ્યા હતા, જેથી કોર્ટે બંને આરોપીઓને રૂ.૧૫ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સીબીઆઇ તરફથી ખાસ સરકારી વકીલ એમ.એમ.શેખે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ તેમના હોદ્દાનો દૂરપયોગ કરી ખાનગી કંપનીઓ અને વ્યકિતઓને ફાયદો કરાવવાના બદઇરાદાથી પૈસાની લાલચમાં ગેરકાયદે રીતે કરોડો રૂપિયાનું યોગ્ય ખરાઇ કે ચકાસણી વિના ધિરાણ કરી નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ લિ. સંસ્થાને બહુ મોટુ આર્થિક નુકસાન પહોંચાડયું હતું. આરોપી રિજિયોનલ મેનેજર રામઅવતાર અગ્રવાલ અને એકાઉન્ટન્ટ રોહિત ધીંગરાએ શહેરની સ્ટાન્ડર્ડ મટીરીયલ્સ પ્રા.લિ., મધુવીર સીરામીક, ભગવતી સિલ્ક, ગુજરાત વેકસીસ સહિતની કંપનીઓ અને ફર્મને નિયમો નેવે મૂકીને બારોબાર કુલ રૂ.૫૫.૩૪ કરોડનું ધિરાણ કર્યું હોવાનું પ્રસ્થાપિત થયું છે. બંને આરોપીઓની જવાબદારી અને સંડોવણી પુરવાર કરતાં નક્કર પુરાવાઓ પણ તપાસનીશ એજન્સીએ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ કોર્ટે આરોપીઓને સખતમાં સખત સજા કરવી જોઇએ. સીબીઆઇના સરકારી વકીલ શેખની દલીલો ગ્રાહ્ય રાખી સીબીઆઇ કોર્ટે બંને આરોપીઓને ઉપરમુજબ સજા ફટકારતો મહત્વનો હુકમ કર્યો હતો.