(એજન્સી) ચેન્નઇ, તા.૨૨
આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે સીબીઆઈની ટીમે તેમના જોરબાગ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. આ અંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે ગુરૂવારે જણાવ્યું કે, આર્ટિકલ ૩૭૦ પરથી ધ્યાન હટાવવા માટે તેમના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે. કાર્તિએ જણાવ્યું કે તેમના પિતાની જે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે, તે માત્ર રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. કથિત કૃત્ય ૨૦૦૮માં થયું અને તેમાં અત્યાર સુધી કોઇ આરોપ નથી. તેમણે કહ્યું કે સીબીઆઇ દ્વારા તેમને ઘણી વાર બોલાવવામાં આવ્યા અને દર વખતે આશરે ૧૦ કલાક સુધી તપાસ એજન્સીના કાર્યાલય ખાતે પૂછપરછ કરવામાં આવી પરંતુ આજ સુધી કોઇ તહોમતનામું નથી, જેનો અર્થ થાય છે કે કોઇ કેસ નથી.
કાર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે. આ કારણ વગરનું નાટક છે. ઇમાનદારીથી તપાસ કરાઇ નથી. જે અધિકારી તપાસ કરી રહ્યા છે તેઓ પણ જાણે છે કે કોઇ કેસ જ નથી પરંતુ કોઇની હિમ્મત નથી કે ફાઇલમાં લખી શકે કે કોઇ કેસ નથી. કેટલાક લોકોને ખુશ કરવા માટે આ બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુર્ભાગ્યવશ ભારતમાં તપાસ સમાપ્ત થવાની કોઇ મર્યાદા નથી. એ હંમેશા ચાલું રહે છે. કોઇને હેરાન કરવા માટે આ એક ઉત્તમ હથિયાર છે. મારા પિતા દરેક વખતે પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર રહ્યા છે.