Sports

વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં પંતની જગ્યાએ કાર્તિકને લેવા માંગ

નવી દિલ્હી,તા.૧૪
વિશ્વ કપ પહેલા જ ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરીઝ ગુમાવી દીધી છે. બુધવારનાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતનો ૩૫ રને પરાજય થયો. આ સીરીઝમાં ભારતીય ટીમે અનેક પ્રયોગ કરીને વિશ્વ કપ ૨૦૧૯ માટે ટીમ સંયોજન પર ધ્યાન આપવાનું હતુ. ટીમ ઇન્ડિયાનાં મનોબળને જોરાદર ઝાટકો પહોંચ્યો, કારણ કે ભારત સીરીઝમાં ૨-૦થી આગળ હતુ, પરંતુ તેમ છતા ઑસ્ટ્રેલિયાએ વળતો પ્રહાર કરીને ભારતને ૩-૨થી હરાવી દીધું. ટીમ ઇન્ડિયાને પાંચમી અને અંતિમ વન ડેમાં ૩૫ રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને વિશ્વ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને આ પહેલા જ વન ડે સીરીઝ હારવી એ આત્મવિશ્વાસ પર અસર પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઋષભ પંતને પોતાનાં ખરાબ પ્રદર્શનનાં કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યા છે. પંત પાસે દિલ્હીમાં પોતાને સાબિત કરવાનો શાનદાર મોકો હતો, પરંતુ તે આ તકનો ફાયદો ઉઠાવી શક્યો નહીં અને ૧૬ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ પહેલા ચોથી વન ડેમાં પંતને ખરાબ પ્રદર્શનનાં કારણે ક્રિકેટ પંડિતોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતુ. ચોથી વન ડેમાં પંતે વિકેટકીપિંગમાં ઘણા કેચ અને સ્ટંપિંગ છોડ્યા હતા. પંતના ખરાબ પ્રદર્શનથી ફેન્સ નારાજ છે અને તેમણે ૨૦૧૯ વિશ્વ કપને લઇને પોતાનો મત દર્શાવ્યો છે. ફેન્સનું માનવું છે કે પંતને વિશ્વ કપમાં ના લઇને જવો જોઇએ અને તેની જગ્યાએ અનુભવી વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિકને ટીમમાં લાવવો જોઇએ.