ભૂજ, તા.૩૧
પૂર્વ કચ્છમાં ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તા.૩૦/૧રની રાત્રે બે ટ્રેઈલર અને ઈનોવા કાર વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર ભૂજના ધોબી પરિવારના ૧૦ સભ્યોના એક સાથે કરૂણ મોતની ઘટનાથી કચ્છભરમાં અરેરાટી વ્યાપી હતી. જેઓની એક સાથે અંતિમયાત્રા નીકળતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ર૦૧૮ના વિદાયના અંતિમ દિવસોમાં આ કરૂણાંતિકા કચ્છમાં ર૦૧૮ના વર્ષની ગંભીર ઘટના બની રહી હતી.
ભૂજથી ભચાઉ નજીક દેવસ્થાને દર્શન કરી પરત ભૂજ આવી રહેલા ધોબી પરિવારના સભ્યોની ઈનોવા કાર ભચાઉના ચીરઈ નજીક પહોંચી ત્યારે આગળ જઈ રહેલા એક ટ્રેઈલરનું ટાયર ફાટતાં ઈનોવા કાર તેમાં ટકરાઈ હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલા અન્ય એક ટ્રેઈલરે પણ ઈનોવાને ટક્કર મારતા ઈનોવા કાર બે ટ્રેઈલર વચ્ચે ચગદાઈ ગઈ હતી. જેથી સ્થળ ઉપર જ ૧૦ સભ્યોનાં મોત થયા જેમાં :
૧. અશોક ગીરધારીલાલ કોટિયા (ઉ.વ.૪૪)
ર. પુનમબેન રમેશ કોટિયા (ઉ.વ.૪૦)
૩. નિર્મળાબેન અશોક કોટિયા (ઉ.વ.૩૮)
૪. મોનિકા દિનેશ કોટિયા (ઉ.વ.૧પ)
પ. નંદની અશોક કોટિયા (ઉ.વ.૧૬)
૬. તૃપ્તિ દિનેશ કોટિયા (ઉ.વ.૧૬)
૭. મોહિની રમેશ કોટિયા (ઉ.વ.૧૦)
૮. ભવ્ય અશોક કોટિયા (ઉ.વ.૧ર)
૯. હિતેશ સુનિલ ચીનીવાલ (ઉ.વ.ર૦)
૧૦. અર્જુન સુનિલ કોટિયા (ઉ.વ.૧૮)નો સમાવેશ થાય છે. જ્યારે હેન્સી રમેશ કોટિયા અને નિકિતા રમેશભાઈ કોટિયા નામની બે કિશોરીઓનો ઈજા સાથે બચાવ થયો હતો. બંનેની સારવાર ચાલુ છે. રવિવાર રાત્રીની આ કરૂણાંતિકા બાદ સોમવારે સવારે ભૂજના જેષ્ઠાનગર ખાતેથી હતભાગી પરિવારની એકસાથે અંતિમયાત્રા નીકળી ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખો આંસુથી છલકાઈ હતી. ભૂજના જેષ્ઠાનગરમાં આ હતભાગી પરિવાર લોન્ડ્રીની દુકાન ધરાવતો હતો.