(એજન્સી) જલગાંવ, તા. ૭
ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા ૧૧ દિવસથી સારવાર લઇ રહેલા ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિનું નિધન થયું છે. પાંચ વખત તમિનલાડુના મુખ્યમંત્રી રહેલા કરુણાનિધિની તબિયત વધારે બગડતા તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. કાવેરી હોસ્પિટલના નિવેદનામાં જણાવ્યું હતું કે, ૯૪ વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું સારવાર દરમિયાન નિધન થયું છે. કરુણાનિધિના નિધનથી સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કરુણાનિધિના સમર્થકોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. સમર્થકોને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યો છે.
આ પહેલા કાવેરી હોસ્પિટલે નિવેદન આપ્યું હતું કે, ડીએમકે અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધિની તબીયત ખરાબ છે. વધારે ઉંમર હોવાના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોની કાર્યક્ષમતા બનાવી રાખવું મુશ્કેલ બની રહ્યું હતું. હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર અરવિંદ સેલ્વારાજે કહ્યું કે, દ્રમુક અધ્યક્ષના સ્વાસ્થ્યનું સતત અલવોકન કરવામાં આવી રહ્યું હતું. કરુણાનિધિને બ્લડ પ્રેશની સમસ્યા થયા બાદ ૨૮ જુલાઇએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ પ્રેશરની સમસ્યા તો કંટ્રોલમાં આવી ગઇ હતી પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી.
પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિની જિંદગી બીજા કરતા અલગ તરી આવે છે. ૧૪ વર્ષની ઉંમરમાં જ અભ્યાસ છોડીને કરુણાનિધિએ રાજકિય દુનિયામાં એન્ટ્રી કરી હતી. “હિન્દી હટાવો” આંદોલન કર્યા બાદ તેમની જિંદગી બદલાઇ હતી. હિન્દી વિરોધ આંદોલન બાદ કરુણાનિધિ નાટક, સમાચાર પત્ર અને ફિલ્મો માટે લખવા લાગ્યા. તેમની આ કલાના કારણે તેમને અન્નાદુરાઇએ તેમને પાર્ટીની પત્રિકા કુદિયારાસુને સંપાદક બનાવાયા. ત્યારબાદ કરુણાનિધિએ અન્નાદુરાઇનો હાથ પકડી લીધો પછી ક્યારે પાછળવળીને જોયું જ નહીં. ૬૦ વર્ષના રાજકીય કરિયરમાં કરુણાનિધિ ૫ વખત મુખ્યમંત્રી અને ૧૨ વખત વિધાનસભા સભ્ય રહ્યા છે. જેટલી વખત ચૂંટણી લડ્યા એટલી વખત જીત નોંધાવી. સમર્થકો પ્રેમથી તેમને કલાઇનાર એટલે કે કલાના વિદ્વાન કહીને બોલાવે છે. પોતાના જીવનમાં કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા. ત્રણ પત્નીઓથી તેમને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે.

કરૂણાનિધિનું નિધન : પીએમ મોદીએ કહ્યું ‘અમે
ઊંડા મૂળ ધરાવતા સર્વમાન્ય નેતાને ગુમાવ્યા’

(એજન્સી) ચેન્નાઇ, તા. ૭
લાંબી માંદગી બાદ તમિલનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા એમ કરૂણાનિધિનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરૂ દુઃખ વ્યક્ત કરતા ‘ઊંડા મૂળના નેતા જેમનું જીવન ગરીબ અને કચડાયેલા લોકોને સમર્પિત હતું’ તેમ કહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરતા લખ્યું કે, ‘‘કલાઇગનાર કરૂણાનિધિના નિધનથી ઘેરૂ દુઃખ છે. તેઓ ભારતના સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા. અમે એક ઊંડા મૂળિયાના, ફળદ્રુપ વિચારક નેતાને ગુમાવ્યા, કુશળ લેખક અને નષ્ઠાવાન જેમનું જીવન ગરીબ અને કચડાયેલાઓ માટે સમર્પિત હતું.’’ વડાપ્રધાને કહ્યું કે, કેટલાક પ્રસંગે કરૂણાનિધિ સાથે મળવાની તક મળી હતી અને તેમની નીતિઓની સમજ અને સમાજ કલ્યાણ પર ભાર એ ઉડીને આંખે વળગે તેવું હતું. તેઓ લોકશાહી વિચારોને વળગી રહ્યા હતા અને તેમનો ઇમરજન્સીનો સખત વિરોધ હંમેશા યાદ રહેશે. ‘‘આ દુઃખની પળોમાં તેમના પરિવારજનો અને તેમના સમર્થકો પ્રત્યે મારી લાગણી છે. ભારત અને ખાસ કરીને તમિલનાડુ તેમને અતિશય યાદ કરશે. તેમના આત્માને શાંતિ મળે તેવી કામના.’’