(એજન્સી) શોપિયાં, તા. ૪
ઉમર અબ્દુલ્લાહ નામના નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના જનાઝા પર તેનો સ્કૂલ યુનિફોર્મ મુકી દેવાયો હતો જેને શોપિયાં જિલ્લાના પ્િૉજોરાના પાસેના ગામમાં ભારે આક્રંદ અને ગુસ્સા સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઉગ્રવાદીઓ અને સલામતી દળો વચ્ચે જ્યારે ગોળીબારની રમઝટ ચાલુ હતી ત્યારે બુધવારે ઉમર અબ્દુલ્લાહની સાથે રહેલા નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું કે, ઉમરને એન્કાઉન્ટરના સ્થળે આશરે ૭૦૦ મીટર દૂરથી સલામતી દળો દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. એક સાક્ષીએજણાવ્યું હતું કે, તેના શરીર પર બે ગોળી વાગી હતી એક તેના ગળામાં અને એક તેની છાતી પર વાગી હતી. ગોળી વાગ્યા બાદ તરત જ તેનું મોત થયું હતું. તેણે કહ્યું કે, એન્કાઉન્ટર સાઇટ પર ટીયરગેસના શેલ તથા ધુમાડાના પેપરોથી બચવા માટે ઉમર બાજુના ગામમાં આવેલી ફળની વાડી તરફ દોડી રહ્યો હતો ત્યારે સરકારી દળો દ્વારા તેને નિશાન બનાવાયો હતો.
ઉમરના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, ઉમરના પિતા અબ્દુલ અહદ કુમાર પાંચ મહિનાની લાંબી માંદગી બાદ નવેમ્બર ૨૦૧૬માં મૃત્યુ પામ્યા હતા. ઉમર તેમના નવ બાળકોમાંથી એક છે જેમાં ત્રણ બહેનોના લગ્ન થઇ ગયા છે જ્યારે એક બહેન દિવ્યાંગ છે. ઉમરના મોટા ભાઇ મુહમ્મદ અશરફે જણાવ્યું કે, ઉમર ભણવામાં ખુબ હોશિયાર હતો અને છેલ્લા ત્રણ વર્ષથી તબ્લીગી જમાતમાં શિયાળામાં સમય આપતો હતો. તે પાંચ વખતની નમાઝ સમયસર પઢતો હતો. ફઝરની નમાઝ માટે તે મારા કરતા પહેલા ઉઠી જતો હતો. ઉલ્લેખનીય છે કે, ઉમરની જનાઝાની નમાઝ મોટી સંખ્યામાં સામેલ લોકો માટે પાંચ તબક્કામાં પઢાવાઇ હતી. મહિલાઓ અને ઉમરના મિત્રો પોતાની છાતીઓ કૂટી આક્રંદ કરી રહ્યા હતા. અંતિમ સમયે જ્યારે ઉમરના મિત્રોએ તેના જનાઝાને ખભે ઉપાડ્યો ત્યારે ઘણી મહિલાઓ બેભાન બની ગઇ હતી અને જનાઝામાં હજારોની સંખ્યામાં એક પણ વ્યક્તિ એવી નહોતી જે રડી રહી નહોતી કારણ કે તેના જનાઝાને નાનકડા મિત્રોએ ઉપાડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તેના સ્કૂલ યુનિફોર્મને તેના જનાઝા પર મુકી દેવાતા સ્થિતિ વધુ કરૂણ બની હતી.