(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૯
કોડીનાર એસટી બસ ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે તંત્ર કરોડોના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં સુવિધા તો પૂરી પાડતું નથી પણ બસ સેવા આપવામાં પણ ગંભીરતા લેતું નથી. જેની વાસ્તવિકતા આજે સામે આવતા બસ ડેપોમાં હાજર સૌ ચોકી ઉઠ્યા હતા. આજે સવારે એસટી ડેપોમાં મુળદ્વારકા-કોડીનાર ચાલતી સ્પેશિયલ વિદ્યાર્થી ફેરાની બસ બસસ્ટોપ પર આવતા તેમાંથી ૧-ર નહીં પણ ૧૩૦ જેટલા છોકરા-છોકરીઓ ઉતરતા આ બસમાં આટલા બધા વિદ્યાર્થીઓ કઈ રીતે બેઠા હશે. એ જોઈ સૌ અચંબિત થઈ ગયા હતા. બસમાં સવારને સાંજે રોજ સવાસો જેટલા વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. પહેલાંથી જ એસટી તંત્રએ આ રૂટમાં ૧ બસ ફાળવેલી છે જેથી આ હાલાકી વેઠવી પડે છે. આ રૂટમાં ર બસો મૂકવાની રજૂઆત કરેલ પણ તંત્રએ કોઈ વાત ધ્યાને લીધી જ નથી. માટે નાછૂટકે એકબીજાના ખોળામાં બેસીને જવું આવવું પડે છે ! જો કે ખાસ કરીને વિદ્યાર્થિનીઓને ભારે હેરાનગતિ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રૂટમાં વહેલીતકે તંત્ર બે બસો મૂકે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.