(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિતના મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા રણનીતિ કરી હતી. સવારે સત્યાગ્રહ છાવણીમાં ખેડૂત આક્રોશ સંમેલન બાદ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો અને ખેડૂતો રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા આગળ વધવા લાગ્યા કે તરત જ પોલીસે રેલીને અટકાવી નેતાઓની અટકાયત કરી હતી. તે દરમ્યાન પથ્થરમારો થતા કેટલાક પોલીસ કર્મીઓને માથામાં ઈજા પહોંચી હતી.
ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે શરૂ થયેલી ખેડૂત આક્રોશ રેલીમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો, નેતાઓને સંબોધન કર્યા બાદ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ બળદગાડામાં બેસી અન્ય કાર્યકરો સાથે વિધાનસભા તરફ આગળ વધતા હતા. ત્યારે અગાઉથી જ તૈનાત મોટી સંખ્યામાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ અને કાર્યકરોનો જ ઘેરાવ કરી તેમને આગળ વધતા અટકાવ્યા હતા અને ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી.
આ દરમ્યાન પોલીસ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા ટોળામાંથી કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કરતા કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે વધારે ઝનૂનપૂર્વક કાર્યકરો પર તૂટી પડી અસંખ્ય કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. આથી કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ વાનના ટાયરની હવા કાઢી નાખી હતી.
દરમ્યાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે આગેવાનો કાર્યકર્તાઓ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓને ઘરમાં નજરબંધ કર્યા ગામમાં નજરબંધ કર્યા વાહનમાં નજરબંધ કરીને ખેડૂતોના આક્રોશ અને એની વેદનાને રોકવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. તેમ છતાં હજારો કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ધસી આવ્યા અને વિધાનસભા ઘેરાવ તરફ આગળ વધતા પોલીસના અમાનુષી અત્યાચારનો ભોગ બન્યા, જેમાં કોઈના હાથ તુટયા કોઈના પગ તુટયા, કોઈના માથામાં ટાંકા આવ્યા તેવી સ્થિતિનું નિર્માણ ભાજપ સરકારે કર્યું છે. ત્યારે મગફળીકાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? એ સવાલનો જવાબ ભાજપ સરકાર આપવામાં નિષ્ફળ નીવડી છે. આવતા દિવસોમાં ગરીબ ગામડા અને ખેડૂતોની સમસ્યાઓને લઈને દિવસ થોડા અને કૌભાંડ ઝાઝા કરનાર ભાજપ સરકારને સબક શીખવાડવા માટે વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ પક્ષ સત્તા અને સંગઠન સાથે મળી લડતો રહેશે.
ગુજરાતના ખેડૂતો, ખેડૂત આગેવાનોએ અનેી વેદનાને વાચા આપવા માટે ભાજપ સરકારે બિછાવેલ જાળને તોડીને ઘરની નજરબંધી હોય, ગામની નજરબંધી હોય, વાહનની નજરબંધી હોય તેની વચ્ચેથી બચી વિધાનસભા સુધી પહોંચવાનો સફળ પ્રયાસ કર્યો હતો અને સફળતા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, રાજકીય અને ખેડૂત આગેવાનો અભિનંદનને પાત્ર છે. કોંગ્રેસ પક્ષ સહુ સાથે મળીને લડશે ગુજરાત, જીતશે ગુજરાત એવા સંકલ્પ સાથે આવતા દિવસોમાં આગળ વધશે.

ભાજપની નીતિના કારણે ખેડૂતો ગુલામ તથા આર્થિક રીતે દેવાદાર બન્યા
કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી અગાઉ સંમેલનમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપની નીતિના કારણે ખેડૂત ગુલામ બન્યા છે. સાથે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે. સેટેલાઈટ માપણી કરાવી સરકાર ભાઈ ભાઈને અંદરો અંદર લડાવે છે. ખેડૂતોને વીજળી, સિંચાઈનું પાણી મળતું નથી. ખેડૂત આર્થિક રીતે નબળો બન્યો છે. ગુજરાતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. રાજ્યમાં ઉપવાસ, સભા કે વિરોધ કરવા દેવામાં આવતો નથી.
જ્યારે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું હતું કે, રાજ્યમાં સરકાર મસ્ત છે અને ખેડૂતો ત્રસ્ત છે. સરકાર પોતાના મનની જ વાત કરે છે પરંતુ ખેડૂતોના મનની વાત સાંભળતી નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં? તેમ કહીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે તો ખૂડેતોના દેવા પણ માફ થવા જોઈએ