ભાવનગર,તા.૩૧
તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અશોક બારૈયા દ્વારા બોરતળાવ વિસ્તારમાં દારૂનું બેફામ વેચાણ થાય છે અને અસામાજિક પ્રવૃતિઓ થાય છે આ અંગે રાજયના ગૃહમંત્રી એસ.પી. સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો.
તેમાં આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા યોજી દારૂના વેચાણ, દુષણ સામે અને દારૂ બંધીના કડક અમલ બાબતે કલેકટરને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ અપાયો હતો. પરંતુ ધરણા શરૂ થાય તે પહેલા જ શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાધાણી, ધારાસભ્ય કનુ બારૈયા, ભાવ.મ્યુ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, શહેરના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નેતા ભરત બુધેલિયા સહિત કોંગ્રેસના ર૦ થી રપ આગેવાનોની અટકાયત કરી એ.ડીવી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જયારે કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દારૂના દુષણ સામે રજૂઆતો કરી હતી અને કાયદાનો કડક અમલ થાય તેવી માગ કરી હતી. સરકાર તંત્ર દ્વારા કોંગ્રેસ પક્ષને ધરણાની મંજુરી નહીં અપાતા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાધાણીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેક પ્રશ્નોની રજૂઆત કરવા માટે ધરણા, ઉપવાસની મંજૂરી આપવામાં આવે છેપરંતુ હાલની સરકાર લોકશાહીનું ખૂન કરી રહી છે અને લોકોના અવાજ દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેને કોંગ્રેસ પક્ષ સાખી લેશે નહીં. ઉપરાંત પ્રમુખે જણાવ્યું હતું કે આ અગાઉ પણ દારૂના વેચાણ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ જનતા રેડ કરવામાં આવી હતી. જો હજુ ભાવનગર શહેરમાંથી દારૂના વચેાણ બંધ નહી થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા જનતા રેડ કરવામાં આવશે અને દેખાવો યોજાશે.
કોંગ્રેસના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે દારૂબંધી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે. પરંતુ કોઈ પરિણામ લક્ષી કાર્યવાહી કરી નથી. સત્તાધારી ભાજપ પક્ષના જ ડેપ્યુટી મેયરે બોરતળાવ વિસ્તારમાં દારૂના બેફામ વેચાણ થતું હોવાનું નિવેદન કરતા ભાજપ પક્ષમાં પણ ભારે હોબાળો મચી ગયો છે. જયારે શહેર કોંગ્રેસના લઘુમતી ડિપાર્ટમેન્ટના આગેવાનો અનવરખાન પઠાણ, સાજીદ કાઝી, કાળુભાઈ બેલીમ સહિતનાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ અગાઉ કોંગ્રેસના લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકસભા અને રાજસભામાં બહુમતીના જોરે જે બિલ પસાર કરવામાં આવ્યું છે સી.એ.એ.ના વિરોધમાં મૌન રેલીની મંજુરી માગી હતી તે વેળાએ પણ સરકારી તંત્ર દ્વારા યેનકેન પ્રકારે મંજૂરી આપવામાં આવી ન હતી. તેને પણ કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.