(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
બેંક ઓફ ઇન્ડિયામાં રૂા.૪૬૮ કરોડની લોનની ભરપાઇ ન કરી શકનારા શહેરના હીરા ઉદ્યોગકાર ચંદ્રકાન્ત સંઘવીએ તેઓની મિલ્કતોની જપ્તી કરવા માટે મામલતદારો દ્વારા શરૂ કરવામાં આવેલ કામગીરીને અટકાવવા માટેની દોડધામ તો શરૂ કરી પરંતુ મામલતદારો દ્વારા તેઓને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હોવાનું જાણવા મળે છે. આગામી ૧પ દિવસમાં જો તમે લોનની ભરપાઇ નહી કરે તો તમામ મિલ્કતો જપ્ત કરવામાં આવશે.
બેંક ઓફ બરોડાની અરજીના આધારે રૂા.૪૬૮ કરોડની લોનની બાકી રકમની વસુલાત કરવા માટે કલેક્ટર દ્વારી હીરા ઉદ્યોગકાર ચંદ્રકાન્ત સંઘવી તથા તેમના કુટુંબીજનોના નામવાળી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ કુલ ર૬ મિલ્કતોના કબજો લેવા માટેના હુકમ કર્યા હતા. કલેક્ટર દ્વારા ઓગષ્ટ ર૦૧૮માં ધી સિક્યુરીટી ટ્રાન્ઝેકશન એન્ડ રીક્સ્ટકશન ઓફ ફાયનાન્સ એસેસ્ટ એન્ડ એનફોસમેન્ટ ઓફ સિક્યુરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ર૦૦રની કલમ ૧૪ હેઠળ ચંદ્રકાન્ત સંઘવી સહિતના ર૦ ડિફોલ્ટરો પાસેથી રૂા.૪૬૮.૮૮ કરોડની વસુલાત કરવા માટે તેઓની માલિકીની સુરત ખાતેની ર૬ મિલ્કતો જપ્ત કરવા માટે મામલતદારોને હુકમ કર્યા હતા. કલેક્ટરના હુકમ બાદ મામલતદારો દ્વારા આ મિલ્કતોના કબજો કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી શરૂ થતાની સાથે જ ઉદ્યોગકાર ચંદ્રકાન્ત સંઘવી આ કાર્યવાહીને અટકાવવા માટે દોડતા થઇગયા છે. તેઓ બે દિવસથી જુદા જુદા મામલતદારો પાસે જાતે જઇને આ જપ્તીની કાર્યવાહી અટકાવવા માટેની ભલામણો કરી રહ્યાં છે. પરંતુ ત્રણેય મામલતદારોમાંથી એક પણ મામલતદાર દ્વારા તેઓની ભલામણ માન્ય રાખી ન હતી. એટલું જ નહી મામલતદારોએ તો જણાવી દીધું હતું કે તેમને જે ૧પ દિવસની નોટીસનો સમય આપવામાં આવ્યો છે તે સમય મર્યાદામાં તમે લોનની બાકી નિકળતી રકમની ભરપાઇ કરી દો તો જ તમારી મિલ્કતોની જપ્તની કાર્યવાહી અટકશે. નહીં તો ૧પ દિવસ બાદ તમામ મિલ્કતોનો કબજો લઇને તેને બેંકને સુપ્રત કરી દેવામાં આવશે.