(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
રોકાણકારો પાસેથી નાણા યેનકેન રીતે મેળવી નિર્ધારીત સમયે લોકોને નાણાં પરત ન કરી પોતાની કંપનીઓને તાળાં મારી નાસી છૂટનાર લેભાગુ તત્વો સામે કેન્દ્ર અને રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં બીટ કનેક્ટ, સમૃદ્ધ જીવન, મૈત્રી અને વિન્ટેચ જેવી કંપનીઓ સામે દાવો માંડવાનો રાજ્ય સરકારે નિર્ણય લઈ જિલ્લાવાર રોકાણકારો પાસેથી ક્લેઈમના ફોર્મ (દાવા અરજી) ભરાવવાની કામગીરી આરંભાઈ છે. જેના પગલે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં રોકાણકારો અહીં એકત્રિત થયા હતા. જેમણે પોતાના દાવા અરજીઓ ભરી હતી. વધુમાં જાણવા મળ્યું મુજબ રાજ્ય સરકારે જી.પી.આઈ.ડી. એક્ટની કલમ ૭ અન્વયે આવી દાવા અરજીઓના ફોર્મ ભરાવવાની કામગીરી આરંભી છે. જેણે પગલે આજે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રોકાણકારો દ્વારા મોટી સંખ્યામાં બીટકનેક્ટ, સમૃદ્ધ જીવન, મૈત્રી અને વિન્ટેચ જેવી કંપનીઓ સામે દાવો માંડવાના ફોર્મો ભર્યા હતા.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા આ ચાર કંપનીઓની જે કઈ પણ સ્થાવર અને જંગમ મિલ્કતો છે તેને સીલ મારવામાં આવી છે. માટે હવે પછી કોર્ટના આદેશ અનુસાર આવી મિલ્કતોના નિકાલ અને તેમાંથી ઉપજના રકમને રોકાણ કારો વચ્ચે વહેંચવાની કામગીરી આવનાર છે.