(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાન સમયે ભાજપ અને કોંગ્રેસ જેવા સાથે તેવાનું રાજકારણ ખેલી રહ્યા છે. મુખ્યમંત્રી કમલનાથે હાલમાં પૂર્વ ભાજપની શિવરાજ સરકારના કેટલાક પ્રધાનોમાં કૌભાંડો ખોલવાની શરૂઆત કરી છે. ઈન્કમટેક્સ દ્વારા મુખ્યમંત્રી કમલનાથના અંગત મદદનીશોના નિવાસે દરોડા પાડી કરોડોની રોકડ અને દસ્તાવેજો તેમજ શસ્ત્રો જપ્ત કર્યા હતા. ત્યારબાદ વળતા પ્રહારરૂપે કોંગ્રેસની કમલનાથ સરકારે પૂર્વ ભાજપ સરકારના મંત્રીઓના કૌભાંડોની તપાસના આદેશ આપ્યા છે.
ઈન્કમટેક્સ દ્વારા રવિવારે ઈન્દોર, ભોપાલ, દિલ્હી-ગોવામાં પર સ્થળોએ દરોડા પાડી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. મુખ્યમંત્રીની ઓએસડી પ્રવીણ કક્કર અને સલાહકાર રાજેન્દ્ર મિગલાનીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. કમલનાથ સરકારે ૩ હજાર કરોડના ઈ ટેન્ડરિંગ કૌભાંડમાં સાત કંપનીઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. જે કૌભાંડ અગાઉની ભાજપ સરકારના શાસનમાં થયા હતા. તપાસ એજન્સીએ પાંચ અધિકારીઓ અને એક ભાજપના નેતા સામે એફઆઈઆર દાખલ કરી છે. આર્થિક ગુનાશોધક શાખા (ઈઓડબ્લ્યુ)એ આરોપીઓ સામે નકલી વેબસાઈટ બનાવી ટેન્ડરો મંગાવી ગોટાળા કરાયા હતા તેની તપાસ માટે મજબૂત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કેટલાક પત્રકારોને ખોટી રીતે ૯૮ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમને ગેરકાયદેસર ફંડની ફાળવણી તેમજ નિમણૂકો અંગે પણ તપાસના હુકમો અપાયા છે. આ ઉપરાંત સાંસદ ભંડોળના દુરૂપયોગની પણ તપાસ કરાશે. સરકારી ફરજ બજાવતા અધિકારીના કામમાં અવરોધ કરવા બદલ પૂર્વ ભાજપ સરકારના મંત્રી અને ધારાસભ્ય જાલમસિંગ પટેલની સામે ફરિયાદ નોંધી જેલમાં મોકલી અપાયા છે. ઈ ટેન્ડરિંગ કાંડ જાન્યુઆરીથી પ્રકાશમાં આવ્યું હતું. રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી મનીષ રસ્તોગીએ આ કાંડને ઉજાગર કર્યું હતું. જ્યારે તેઓ મધ્યપ્રદેશ રાજ્યના ઈલેકટ્રોનિક્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર હતા. આર્થિક ગુના શાખાના ડીજી કે.એન.તિવારીએ કહ્યું કે, જાન્યુઆરી-૧૮થી માર્ચ-૧૮ સુધીમાં ઈ ટેન્ડરિંગ દ્વારા ૯૦૦ કરોડના ગોટાળા કરાયા હતા. આરોપીઓ સામે ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરાશે.