જૂનાગઢ, તા. ૯
વંથલીમાં રેતીની લીઝો બંધ કરાવવાના પ્રશ્ને નિર્દોષ ખેડૂત આગેવાનને રેતમાફિયાઓ દ્વારા અપહરણ કરીને તેમના હાથ-પગ ભાંગી નાખેલ, ત્યારબાદ રસ્તા રોકો આંદોલનમાં પોલીસે નિર્દોષો સહિત નાના બાળકો તેમજ વૃદ્ધો ઉપર પણ લાઠીચાર્જ કરેલ છે. તેટલું જ નહીં જાણવા મળતી વિગતો મુજબ પોલીસે પણ નિર્દોષ પબ્લિક પર પથ્થરમારો કરેલ છે. તો શું પોલીસ પથ્થરમારો કરી શકે છે ? પોલીસે તો પથ્થરમારો કરતાં લોકોને કંટ્રોલ કરવા જોઈએ. તેના બદલે પોલીસ પથ્થરમારો કરે તો તેમાં પોલીસ અને પબ્લિકમાં કાંઈ ફરક નહીં ? તેટલું જ નહીં આંદોલનની જાણ ખેડૂત આગેવાનો દ્વારા અગાઉથી જ કરાયેલ હતી. ત્યારે પોલીસે પણ આગલા દિવસની સાંજથી જ પોલીસ બંદોબસ્તની તૈયારીઓ કરેલ હશે. તો પછી નિર્દોષ ખેડૂત આગેવાનનું રેતમાફિયાઓ દ્વારા અપહરણ કઈ રીતે થયું ? એક નિર્દોષ ખેડૂત આગેવાનને રેતમાફિયાઓ દ્વારા સરાજાહેર રોડ ઉપરથી અપહરણ કરાયું ત્યારે પોલીસ ક્યાં હતી ? કેમ તુરંત ખબર ન પડી આ ઘટના બાબતે પોલીસ સતર્ક હોત તો અપહરણકારો ઘડીના છઠ્ઠા ભાગમાં પકડાઈ જાત.
જે વંથલીની સમગ્ર ઘટના બાદ જિલ્લા કલેક્ટરે રેતીની લીઝો રદ કરવાનું જે સાહસ કરેલ છે. તે પગલું પ્રશંસનીય છે પરંતુ માત્ર રેતીની લીઝ રદ કરવા કે ગુનેગારોને પકડીને જાહેરમાં સરઘસ કાઢીને સરાભરા કરવાથી પીડિતોને ન્યાય નથી મળવાનો ખરા અર્થમાં નિર્દોષ ખેડૂત આગેવાનનું જે રીતે અપહરણ કરીને તેમના હાથ-પગ ભાંગી નાખેલ છે. તેમાં ગુનેગારો વિરૂદ્ધ પોલીસે મજબૂત ઈન્વેસ્ટીગેશન પુરાવાઓ ઉભા કરીને ગુનેગારો કોઈ ટેકનીકલ રીતે કાયદાની છટકબારીમાંથી નિર્દોષ ન છૂટી જાય અને ફરીવાર આ ગુનો કરવાની હિંમત ન કરે તે રીતે પોલીસ ગુનેગાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે ત્યારે માની શકાય કે પોલીસે કરેલ કાર્યવાહી બરાબર છે. જાણવા મળતી વિગતો મુજબ પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કરેલ છે. તેમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને તે સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીના હાથમાં રહે અને નિર્દોષ ધારાસભ્ય સહિત અન્ય સામે પોલીસે જે ગુનો દાખલ કરેલ છે તે કેસો પરત ખેંચવા ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ માંગ કરી છે.