(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૪
જૂનાગઢ મહાનગરપાલિકાનું વિશેષ જનરલ બોર્ડ કોંગ્રેસ વિપક્ષની માંગણી મુજબ બોલાવવામાં આવ્યું હતું. આમ આ બોર્ડમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન તાજેતરમાં ગૌશાળામાં થયેલા પશુઓના મૃત્યુનો મુદ્દો હતો. આજનાં આ બોર્ડમાં તડાફડી નિશ્ચિત હતી અને જેને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બોર્ડ શરૂ થવાનો સમય ૧૧ કલાકનો હતો પરંતુ સમયની અવધિ પુરી થતાં વિપક્ષ કોંગ્રેસનાં સદસ્યો દ્વારા બોર્ડ શરૂ કરવાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધપક્ષના નેતા સતિષ વિરડાએ બહુમતીને લઈને અધ્યક્ષની નિમણૂક કરી અને બોર્ડ ચલાવવા માગણી કરી હતી. તો સાથી કોર્પોરેટરોએ પણ આ બોર્ડ શરૂ કરવા વારંવાર રજૂઆત કરી હતી. આ બોર્ડમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે પશુઓના મૃત્યુ અને ગૌવંશનો મુદ્દો લઈ કોંગ્રેસના સભ્યો આજે ગાયનાં મહોરાં પહેરીને સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના શાસકો અને મનપા કમિશનર પ્રવિણ સોલંકી આવી જતાં આખરે બોર્ડ શરૂ કરવાની કાર્યવાહી થઈ હતી. બોર્ડ શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ પક્ષના નેતાએ પોતાનું નિવેદન શરૂ કર્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે આ બોર્ડ કોઈપણ જાતના રાગદ્વેષ વિના એક માત્ર ગૌવંશનાં થયેલ મૃત્યુના અનુસંધાને કાર્યવાહી કરવી જોઈએ અને પશુઓના જે મૃત્યુ થયા છે તેના દોષિતોને કડક સજાની માગણી કરવી જોઈએ. વિરોધ પક્ષના નેતાએ પોતાના આક્રોશયુક્ત નિવેદનમાં સૌપ્રથમ તો કમિશનરને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે કમિશનરશ્રીએ કઈ રીતે કમિટીની રચના કરી નાંખી ? શું તેઓ પાર્લામેન્ટ છે ? વિધાનસભા છે ? રાષ્ટ્રપતિ છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ છે? કે રાજ્યપાલ છે ? આવા એકધારા પ્રશ્ન સાથે કમિશનરને મુંઝવી નાંખ્યા હતા. તત્કાલિન કમિશનરે અને અન્ય પદાધિકારીઓએ કાયદાકીય જોગવાઈઓના પુસ્તક હાથમાં લઈ અને ક્યાં સેકશન ઉપર તેઓએ આ કમિટીની રચના કરી હતી. તે અંગે જણાવી અને લુલો બચાવ કર્યો હતો. તો બીજી તરફ કેપ્ટન સતિષ વિરડાએ કમિશનરની આ રજૂઆતને પણ એકતરફ ફગાવી દીધી હતી તેઓએ તો ત્યાં સુધી આક્ષેપ મુક્યો હતો કે આ કમિટીની જે રચના કરવામાં આવી છે તે એક માત્ર ગૌવંશના હત્યારાઓને બચાવવાનો છે તેવો આક્ષેપ કર્યો હતો. વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યુંં હતું કે જોવાની બાબત એ છે કે ગૌવંશને આપણે જે તે ગૌશાળાને આપીએ છીએ તેને ૩ હજાર રૂપિયા આજીવન સાચવવાના આપીએ છીએ એટલે એ ગૌવંશ આપણું જ થયું કહેવાય અને કોર્પોરેશને કયા આધારે જુદી જુદી ગૌશાળાને પશુઓ આપી દીધા ? એટલું જ નહીં ત્યાં પશુઓ આપ્યાં બાદ યોગ્ય વ્યવસ્થા છે કે નહી ? તેને પુરતો ખોરાક-પાણી કે રહેઠાણની વ્યવસ્થા છે ખરી તેની કોઈ ચકાસણી કરાઈ નથી અને કોઈપણ જાતનું ચેકિંગ કરવામાં આવેલ નથી અને ગૌવંશની જાણે ગેરરીતીને કારણે મોતના મુખમાં ધકેલી દીધા હોય તેવો આક્ષેપ કર્યો છે. માત્ર ૩ કર્મચારી સામે સામાન્ય નોટિસ ફટકારવાથી કામ ચલાવી લીધું છે ગત તા.રપનાં બોર્ડમાં પણ ગૌવંશના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ પક્ષે કડક અને તટસ્થ કાર્યવાહી કરવા માગણી કરી હતી પરંતુ શાસકપક્ષ અને કમિશનર તેમજ પદાધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી તેવો આક્ષેપ કર્યો હતો સતીષ કેપ્ટને કહ્યું કે આ ઉપરાંત એક ગૌશાળાને તમે અમુક પશુઓ આપો છો તો તે ગૌશાળાવાળા ત્યાંથી પશુ લઈ અને બારોબાર અન્ય ગૌશાળાને આપી દે ત્યાં સુધી તમે ચલાવી કેમ લો છો ? અને શાસકો અને પદાધિકારીઓ શા માટે ચુપ રહ્યા તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.
આ બોર્ડમાં વિરોધપક્ષના નેતાએ સૌપ્રથમ તો જૂનાગઢ મનપાનાં કમિશનર સામે એફઆઈઆર દાખલ કરવાની માગણી કરી હતી અને જે કોઈ દોષિત હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ માનવ વધ જેવો ગૌવંશ હત્યા અપરાધનો ગુનો દાખલ કરવા માગણી કરી હતી. આ તકે કોંગ્રેસ પક્ષના દંડક હુસેનભાઈ હાલાએ પણ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે વિજયભાઈ વોરા, અદ્રેમાનભાઈ પંજા, અરજણભાઈ કારાવદરા, મંજુલાબેન પરસાણા તેમજ ગીતાબેન સોલંકી તેમજ કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરોએ ગૌવંશની હત્યાના મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી અને પગલાની માગણી કરી છે. સતત એક કલાક સુધી ગૌવંશનો આ મુદ્દો ચર્ચાયેલો રહ્યો હતો અને સામે પક્ષે મેટર આદ્યશક્તિ મજમુદાર, ડે. મેયર ગીરીશ કોટેચા, પુનિત શર્મા, નિર્ભય પુરોહિત વગેરેએ પણ ગૌવંશની હત્યાના મુદ્દામાં કોગ્રેસ વિપક્ષ સાથે ભાજપ શાસક પક્ષ પણ સહમત છે તેવો સુર વ્યક્ત કર્યો હતો અને બપોરનાં ૧ર કલાક સુધી બોર્ડમાં એક માત્ર ગૌવંશનો મુદ્દો છવાયેલો હતો. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ પ્રજાકીય પ્રશ્ને ભારે ગરમા ગરમી સર્જાઈ હતી.