(એજન્સી) તા.૭
કાશી વિશ્વનાથ મંદિર સહિત મુખ્ય મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રવિવારે ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ મંદિર પરિસરની સુરક્ષા વધારી દેવાઈ છે. મથુરાના માલગોદામ રોડ પર જીઆરપી બેરેકની દિવાલ પર ચાર ધમકીભર્યા પત્રો ચોંટાડવામાં આવ્યા હતા. બેરેક પાસે સવારે એક દૂધવાળાએ દીવાલ પર પત્ર જોઈને તેની જાણકારી જીઆરપીના અધિકારીઓને આપી. એક પત્રમાં લખ્યું હતું કે, ૧૨મીએ કાશી વિશ્વનાથ મંદિરને અને ૧૩મી મેએ મથુરા, વૃંદાવન, ગોરખપુર અને અયોધ્યાના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. એસપી જ્ઞાનવાપી શૈલેન્દ્ર રાયે જણાવ્યું કે ધમકી ભર્યા પત્રો વિશે જાણકારી મળતા જ કાશી વિશ્વનાથ પરિસરના રેડ ઝોનમાં ઉપસ્થિત પોલીસ, પીએસી અને સીઆરપીએફના જવાનોને ખાસ સાવધાની રાખવા માટેના નિર્દેશ આપવામાં આવ્યો છે. ઈન્ટેલિજન્સ વિભાગની ટીમો તોફાની તત્ત્વો અને શંકાસ્પદો પર નજર રાખવા માટે પોલીસને સૂચના અપાઈ છે. જણાવી દઈએ કે વિશ્વનાથ મંદિર વિવાદને લઈને દાખલ અરજી પર અલ્હાબાદ કોર્ટમાં સુનાવણી ૧૦મી મેએ થશે. હાઈકોર્ટ જસ્ટિસ સંગીતા ચંદ્રા કોર્ટમાં આ મામલે સુનાવણી કરશે. આ અરજી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને અંજુમન ઈસ્લામિયા વારાણસીની વચ્ચેના કેસમાં ૧૯૪૭ની સ્થિતિ બનાવી રાખવા ઉપરાંત એક ભાગ જ મસ્જિદમાં રાખવો અને બાકીનો ભાગ મંદિરનો ઉપયોગમાં રાખવા માટે એડીજે વારાણસીના ૨૩ સપ્ટેમ્બર ૧૯૯૮ અને ૧૦ ઓક્ટોબર ૧૯૯૭ના આદેશને સુન્ની સેન્ટ્રલ બોર્ડે હાઈકોર્ટમાં પડકાર્યો છે.