નવી દિલ્હી, તા. ૨૯
કાશ્મીર મુદ્દાને કોઇપણ રીતે કાશ્મીર સાથે સંકળાયેલો ગણાવતા કાશ્મીરના પૂર્વ મંત્રણાકાર એમએમ અન્સારીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ગળે લગાવવાની વડાપ્રધાનની નીતિ પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખી રાજ્યમાં સત્તાના વિકેન્દ્રીકરણથી જ સફળતા મળી શકે છે. તેમણે કાશ્મીર પર પૂર્વ મંત્રણાકારોની ભલામણો પર અમલ કરવાની માગ કરી છે. કાશ્મીર મામલે પૂર્વ વાર્તાકારે કહ્યું કે, મારૂ આજે પણ માનવું છે કે, કાશ્મીર મુદ્દો કોઇને કોઇ રીતે પાકિસ્તાન સાથે સંકળાયેલ છે. આવા સમયે આપણે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવી જોઇએ. જ્યારે આજની સ્થિતિ એવી છે કે, બંને દેશોના સંબંધો અત્યારસુધી શીતયુદ્ધની સ્થિતિમાં પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે, આપણે એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ ત્રણેય ક્ષેત્રોની આકાંક્ષાઓ અલગ અલગ છે એવામાં અહીં ક્ષેત્રીય સ્તરે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સંબોધનમાં જણાવ્યું હતું કે, ગોળીઓ કે ગાલીઓથી નહીં પરંતુ કાશ્મીર મુદ્દાનો ઉકેલ દરેક કાશ્મીરીને ગળે લગાવી લાવી શકાય છે. તેમણે કહ્યું કે, આતંકવાદ પ્રત્યે કોઇ નરમ વલણ નહીં દાખવે અનેતેમની સરકાર કાશ્મીરમાં ખોવાયેલી પ્રતિષ્ઠા અને ધરતી પરના સ્વર્ગને તેનું ગૌરવ અપાવવા માટેકટિબદ્ધ છે. અન્સારીએ કહ્યું કે, રાજ્યની સ્થિતિને યોગ્ય રીતે સમજીને આગળ વધવાની જરૂર છે. હાલમાં એનડીએ સરકારે દિનેશ્વર શર્માને પ્રતિનિધિ તરીકે રાજ્યમાં મોકલ્યા છે જે ગુપ્તચર એજન્સી બ્યૂરોના અધિકારી છે. તેમને એવી સ્થિતિમાં ત્યાં મોકલાયા છે જ્યારે સુરક્ષા દળોના અભિયાન બાદ સંપૂર્ણ રીતે શાંતિ સ્થાપિત થઇ ગઇ છે. આ પહેલાની યુપીએ સરકારે વર્ષ ૨૦૧૦માં કાશ્મીરના વિષય પર લોકો સાથે વાત કરવા અને અહીંની સ્થિતિનો તાગ મેળવવા માટે મંત્રણાકારોની એક ટીમની રચના કરી હતી જેમાં દીલીપ પડગાંવકર, પ્રો. રાધાકુમાર અને એમએમ અન્સારી સામેલ હતા. મંત્રણાકારોની આ ટીમની રચના જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરનારકેન્દ્રીય સર્વપક્ષીય શિષ્ટમંડળની ભલામણોના આધારે બનાવવામાં આવી હતી. અન્સારીએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં પાંચ હજાર લોકો અને પ્રતિનિધિમંડળો સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ આપ્યો હતો પરંતુ અત્યારસુધી તેનો અમલ થયો નથી. તેમને પૂછવામાં આવ્યંુ કે, કાશ્મીર મામલે યુપીએ સરકારની ટીમ અને હાલની સરકાર દ્વારા નિમાયેલા પ્રતિનિધિમાં શું અંતર છે ત્યારે તેમણે કહ્યું કે, પૂર્વ મંત્રણાકારોની ટીમ સર્વપક્ષીય શિષ્ટમંડળની સલાહો પર બની હતી જેનો દાયરો મોટો હતો જ્યારે હાલના પ્રતિનિધિ દિનેશ્વર શર્મા સરકારના પ્રતિનિધિ છે. અન્સારીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં યુવાઓ પોતાને અલગ સમજી રહ્યા છે આવા યુવાઓને મુખ્યધારામાં લાવવા માટે માળખાકીય પ્રયાસ કરવા જરૂરી છે. યુવાઓને આકર્ષિત કરવા રાજ્ય સરકારે ખાસ કરીને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવી જોઇએ. ભટકી ગયેલા યુવાઓના પુનર્વાસ અને તેમની દેખરેખ માટે તંત્ર સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલો મહત્વનો પ્રશ્ન કાશ્મીરી પંડિતોનો છે. તેમની સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. કાશ્મીરી પંડિતોનું પુનર્વાસ એક મહત્વપૂર્ણ વિષય છે જે અંગે આગળ વધવાની જરૂર છે. તેમણે કહ્યું કે, પાછલા ૩૦ વર્ષ દરમિયાન માનવ અધિકાર સાથે જોડાયેલા વિષય પણ સામે આવ્યા છે. આવા સમયે તમામ પક્ષોને ભૂલી જવું અને માફ કરવાના માર્ગોને શોધવાની જરૂર છે. આનાથી કેટલાક મહત્વપૂર્ણ વિષયોનું સમાધાન કાઢવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ પાકિસ્તાનના વિસ્થાપિતોનો વિષય પણ મહત્વનો છે અને તેને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે.