(એજન્સી) કુપવાડા, તા. ૧૭
જમ્મુ-કાશ્મીરના કુપવાડા શહેરમાં ચોટલી કાપવાની ઘટનામાં સંડોવાયેલો હોવાની શંકામાં ટોળા દ્વારા સૈનિકને માર માર્યા બાદ અહીં તંગદિલી વધી ગઇ હતી. કુપવાડાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સૈનિકને સ્થાનિક યુવાનોએ ઢસડીને માર માર્યો હતો જેને બાદમાં સેના દ્વારા બચાવાયો હતો, તેના પર ચોટલી કાપવાનો આરોપ મૂકી માર મરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૈનિકને ગંભીર ઇજાઓ પહોંચી નથી દરમિયાન સેનાના પ્રવક્તા તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નહોતું.
તાજેતરમાં જ આ મહિનામાં જમ્મુ-કાશ્મીર પોલીસે ચોટલી કાપવાની ઘટનાઓ અંગે એસઆઇટીની રચના કરી હતી અને આવા કૃત્ય કરનારની માહિતી પૂરી પાડનારને છ લાખ રૂપિયા રોકડા આપવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ શિષ્ટ ટીમો પણ બનાવી હતી જેમાં ડોક્ટરો, પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સામેલ છે. આ ટીમો દરેક જિલ્લામાં આવા કેસોની સમીક્ષા કરશે. કાશ્મીર ખીણમાં અત્યારસુધી ચોટલી કાપવાના ૪૦ બનાવો બન્યા છે.