(એજન્સી) શ્રીનગર, તા.૧૩
કાશ્મીર ખીણ વિસ્તારમાં ચોટલી કાપવાની વધતી ઘટનાઓથી લોકો વચ્ચે ભયનો માહોલ છે. આ ઉપરાંત આશરે દરરોજ ફેલાતી અફવાઓએ ભયમાં વધારો કરવાનું કામ કર્યું છે. આ ઘટનાઓને લઈને લોકો રોષે ભરાયા છે અને તેમની વિરૂદ્ધ અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનોનો દોર જારી છે. આ વચ્ચે ગુરૂવારે ઘાટીની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી અને પોલીસે તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બુધવારે કાશ્મીર પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી ઘાટીમાં ચોટલી કાપવા સાથે સંબંધિત આશરે ૧૦૦ જેટલી ઘટનાઓ ઘટી છે. કાશ્મીર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ મુનીર ખાને જણાવ્યું કે, કાશ્મીરમાં ચોટી કાપવાની આશરે ૧૦૦થી વધુ ઘટનાઓ ઘટી છે પરંતુ અત્યાર સુધી એક પણ પીડિતે ચોટીનો નમૂનો લઈને કોઈએ પોલીસનો સંપર્ક સાધ્યો નથી. તેમણે કહ્યું અમે વાળના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલી શક્યા હોત જેથી તે જાણી શકાય કે ચોટલી કાપનાર ક્યા સ્પ્રેનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, આ મામલાના તમામ સંદિગ્ધ અત્યાર સુધી નિર્દોષ ઠર્યા છે, ચોટી કાપવાની કોઈ પણ ઘટના સાથે તેમનો સંબંધ નથી. આ ઘટનાને એક મહિનો વીતી ગયો હોવા છતાં એકપણ શખ્સની ધરપકડ થઈ નથી. પોલીસે વિશેષ તપાસ દળ બનાવ્યા છે અને આ ઘટનાઓને અંજામ આપનારાઓ અંગે સૂચના આપનારને ૬ લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, શૈક્ષણિક સંસ્થાને બંધ રાખવાનો આદેશ કાશ્મીરના વિભાગીય આયુની બશીર ખાને જારી કર્યો હતો. તેમણે કહ્યું કે, યુનિવર્સિટીઓ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ શુક્રવારે પણ બંધ રહેશે. ઈન્સ્પેક્ટર જનરલ મુનીર ખાને જણાવ્યું કે, પાછલા દિવસોમાં નૌગામ ક્ષેત્રમાં લોકોએ નિર્દોષ કચરો વીણનારા લોકોને ઢોર માર માર્યો હતો. રૈનાવરીમાં કાશ્મીર ફરવા આવેલા કેટલાક યાત્રીઓને ચોટી કાપનારા સમજીને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. તેમણે કહ્યું કે, આ ઘટનાઓ સાથે સંબંધિત જનહિત અરજીના જવાબમાં અમે જમ્મુ અને કાશ્મીર ઉચ્ચ ન્યાયાલયમાં એક વિસ્તૃત અહેવાલ દાખલ કર્યો છે. અમે હવે ઉચ્ચ ન્યાયાલયના આદેશોની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે,આ પ્રકારની ઘટના ઉત્તરપ્રદેશ, જમ્મુ અને ડોડામાં થઈ છે પરંતુ કાશ્મીરમાં થઈ રહેલી ઘટનાઓ અલગ છે. ચોટલી કાપવાની ઘટનાઓને જોતા પોલીસે વિશેષ તપાસ દળોની રચના કરવામાં આવી છે. તેમાં સામાજિક કલ્યાણ વિભાગના અધિકારી અને પીડિતોની પૂછપરછ માટે એક મહિલા ડોક્ટરને પણ દળમાં સામેલ કરવામાં આવ્યા છે.
બુધવારે કાશ્મીરમાં ચોટલી કાપવાની વધતી ઘટનાઓને લઈને થયેલા વિરોધ પ્રદર્શનમાં બટમાલૂ ક્ષેત્રમાં પ્રદર્શનકારી હિંસક થઈ ગયા. પ્રદર્શનકારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓ પર પથ્થરમારો કર્યો. પ્રદર્શનકારીઓએ આ ઘટના અંગે પોલીસની કથિત નિષ્ક્રિયતાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. સૂત્રોએ જણાવ્યું કે, પ્રદર્શનકારીઓ એ સમયે હિંસક બન્યા. જ્યારે પોલીસે ટોળા વિખેરવા માટેની કાર્યવાહી શરૂ કરી. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉરી સેક્ટરના બાંદી વિસ્તારમાં બુધવારે ચોટલી કાપવાની એક વધુ ઘટના બની જેમાં એક ૧૮ વર્ષની યુવતીની ચોટલી કાપવામાં આવી. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના ૯ ઓક્ટોબરની છે. કેટલાક ગુનાહિત તત્ત્વોએ અફવા ઉડાવી કે બીજા રાજ્યોમાંથી આવેલા કચરો વીણનારા લોકો ચોટલી કાપવાની ઘટનામાં સામેલ છે. જે પછી તેમને આશરે બે હજાર લોકોએ ઘેરી લીધા અને તેમને ઢોર માર માર્યો. પોલીસે વચ્ચે પડીને તે ચાર લોકોને બચાવી લીધા. મામલાની તપાસ હજુ જારી છે. તેમણે જણાવ્યું કે, ચોટલી કપાયા બાદ એક યુવતીની મોતની અફવા અંગે પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. શ્રીનગરના હબ્બાકદલમાં આ અફવા ફેલાઈ, ત્યારબાદ લોકોએ સુરક્ષાકર્મીઓ, વાહનો અને સરકારી ઈમારતો પર પથ્થર ફેંક્યા. આ અંગે આબિદ હુસૈન સૌદાગરની ધરપકડ કરવામાં આવી.
આ ઘટનાના વિરોધમાં બુધવારે બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ વેપારી અને શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત પરિવહન સેવા પણ બંધ રાખવામાં આવી.