(એજન્સી) જમ્મુ, તા.ર૧
ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાશ્મીર મુદ્દે બધા જ હિત ધરાવનાર પક્ષો સાથે વાતચીત કરવા તૈયાર છે. જેમાં અલગતાવાદીઓ પણ સામેલ થઈ શકે છે.
કાશ્મીરની મુલાકાતે ગયેલ રામ માધવે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યના બધા જ લોકો અને પક્ષો સાથે વાતચીત કરવા અમારા દ્વાર ખૂલ્લા જ છે.
માધવે કહ્યું કે, પ્રશ્ન એમને પૂછો જે વાતચીત કરવા માટે તૈયાર નથી.
ત્રણ દિવસ પહેલા અલગતાવાદી નેતાઓ જેમાં સઈદ અલી ગિલાની, મિરવાઈઝ ઉંમર ફારૂખ અને યાસિન મલિક સામેલ હતા એમણે નિવેદન આપી જણાવ્યું હતું કે, અમોએ ક્યારે પણ ગંભીર અર્થપૂર્ણ અને પરિણામ લક્ષી વાતચીત કરવા માટે ઈન્કાર કર્યો નથી. એમણે કહ્યું કે, વાતચીત કાશ્મીરના લોકોની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ હોવી જોઈએ.
માધવને જ્યારે આ નિવેદન બાબતે જણાવાયું ત્યારે એમણે કહ્યું કે, જો નિવેદન ખરૂ છે અને એ લોકો વાસ્તવિક રીતે તૈયાર છે તો એમણે સરકારને જણાવવું જોઈએ. અમે કોઈપણ પૂર્વ શરત વિના બધા સાથે વાતચીત કરવા તૈયાર છીએ.
ત્રાસવાદીઓને નાણાં મળવાના સ્ત્રોતો શોધવા NIA એ સંપૂર્ણ તૈયારી કરી છે અને દરોડાઓ અને શોધની પ્રક્રિયા ચાલી રહી છે જેની અસર અલગતાવાદીઓ ઉપર દેખાય છે. રામ માધવે સેનાની પ્રશંસા કરતાં જણાવ્યું કે, સેના ત્રાસવાદીઓ સામે મક્કમતાથી લડી રહી છે. અમારો ઉદ્દેશ્ય કાશ્મીરમાં શાંતિ સ્થાપના કરી વિકાસ કરવાનો છે. એના માટે અમને વિરોધ પક્ષોના પણ સહયોગ જોઈએ છે. જ્યારે અમે કહીએ છીએ કે કાશ્મીર અમારું છે ત્યારે સ્વાભાવિક રીતે જ કાશ્મીરીઓ પણ અમારા જછે.