ઈસ્લામાબાદ,તા.૨૯
પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ કહ્યું કે કાશ્મીર મુદ્દે સમાધાન શોધવા માટે ઈમરાનખાન સરકાર પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. તેઓએ આ નિવેદન એક ટોક શો દરમિયાન આપ્યું.
મજારી મુજબ, કાશ્મીર મુદ્દાથી સંબંધિત મોડલ ફોર કોન્ફ્લિક્ટ રેઝલૂશન નામથી પ્રસ્તાવ ઘણે અંશે તૈયાર થઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. આશા છે કે ટૂંક સમયમાં તેની પર ચર્ચા થશે. મજારીએ ટોક શોમાં પ્રસ્તાવ વિશે જણાવ્યું પરંતુ તેની વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.
આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સંસ્થા હ્યુમન રાઈટ વોચે પાકિસ્તાનમાં માનવઅધિકારોના ઉલ્લંઘન મામલે નવી સરકારને પત્ર લખ્યો છે ત્યારે તેના જવાબમાં ઈમરાન સરકારના માનવાધિકાર મંત્રી શિરિન મજારીએ વળતો પત્ર લખીને ભારત અને ઈઝરાએલ દ્વારા થઈ રહેલા માનવ અધિકારીના ભંગ સામે આંગળી ચીંધી છે.
માનવામાં આવે છે કે, મજારી સેનાની નિકટતમ છે. શપથ ગ્રહણ પહેલા જ મજારીને નવી કેબિનેટમાં પ્રભાવી પદ મળવાની આશા હતી. મીડિયામાં પણ તો એવા અહેવાલ આવ્યા હતા કે તેમને રક્ષા મંત્રાલયના પ્રભાર મળી શકે છે. માનવાધિકાર મંત્રીનું પદ સંભાળતા પહેલા મજારી ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં ડાયરેક્ટર જનરલ હતાં. તેમને રક્ષા મામલાઓના જાણકાર માનવામાં આવે છે. ઈસ્લામાબાદની કાયદે-આઝમ યુનિવર્સિટીના ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર રહી ચૂક્યા છે.