(એજન્સી) શ્રીનગર, તા.૨૦
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં પ્રશાસને રવિવારે જાહેરાત કરી હતી કે સોમવારથી શહેરની ૯૦૦ પ્રાથમિક શાળાઓમાંથી ૧૯૩ શાળાઓ ફરી ખોલવામાં આવી રહી છે. જોકે, માતા-પિતા દ્વારા પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનો ઇનકાર કરવામાં આવ્યા બાદ સોમવારે સ્કૂલો ખોલવાની સાથે જ બંધ કરવી પડી. કેટલાક સરકારી અધિકારીઓ સહિત કેટલાક લોકો એવું માને છે કે બાળકોને સ્કૂલે નહીં મોકલવાનું સ્થાનિક લોકો દ્વારા ‘નાગરિક કરફ્યુ’નો એક ભાગ હતો. કેટલાક માતા-પિતાએ જનતાના રિપોર્ટરના એડિટર-ઇન-ચીફ રિફત જાવેદને કહ્યું કે પોતાના બાળકોને સ્કૂલે નહીં મોકલવા પાછળનું અસલ કારણ બાળકોની સુરક્ષા અંગે તેમની ચિંતા છે.એક પિતાએ કહ્યું કે જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઇ જાય અને ફોન લાઇન સંપૂર્ણપણે ચાલુ ન થઇ જાય ત્યાં સુધી પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી. હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં લેન્ડલાઇન ફોન જ ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હજીપણ સંપૂર્ણપણે લાગુ છે. રિફત જાવેદે સોમવારે શ્રીનગરની પ્રેઝન્ટેશન કોન્વેન્ટ સ્કૂલની બહાર બે વાલીઓ સાથે વાતચીત કરી હતી. તેમનામાંથી એક રિયાઝે કહ્યું કે સરકારના તાજેતરના નિર્ણયોએ તેમની સ્થિતિને ‘જીવિત નર્ક’ બનાવી દીધી છે. રિયાઝે કહ્યુંં કે સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની તેમના વ્યવસાય પર અત્યંત ખરાબ અસર પડી છે. રિયાઝે પૂછ્યું કે બધા સ્કૂલની નજીકના વિસ્તારમાં રહેતા નથી. અમારામાંથી કેટલાકને સ્કૂલે આવવા માટે ૨૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અમે પોતાના બાળકોની સુરક્ષા અંગે ભયભીત અને ચિંતિત છીએ. રોડ પર બેરિકેડીંગને કારણે નાની કારને પણ પસાર થવાની પણ જગ્યા નથી. શું બાળકોને સ્કૂલે મોકલવા માટે આ યોગ્ય માહોલ છે ? રિયાઝે તેમની દયનીય હાલત માટે પણ મીડિયાને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું ‘તમારા મીડિયાએ સરકારીની તુલનાએ અમારો વધુ વિનાશ કર્યો છે.’