(એજન્સી) શ્રીનગર, તા.૧૪
રમઝાન મહિનો જ્યારે પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે કાશ્મીર ખીણમાં મોટાભાગના મકાનોમાં ઇફતાર વખતે સેનાના અત્યાચારમાં મોતને ભેટેલા યુવકોની પણ પ્લેટો રાખવામાં આવી તેમને ખીરાજે અકીદત પેશ કરવામાં આવી હતી. મોહમ્મદ ખલીલ પોતાના ત્રણ પુત્રો સાથે ઇફતાર માટે બેસે છે અને તેની પત્ની તરબૂચ, બ્રેડ, ચોખા અને અન્ય ખાવા પીવાની વસ્તુઓથી દસ્તરખાન સજાવે છે. તે પોતાના મોતને ભેટેલા ૧૯ વર્ષના પુત્ર સુહૈલ માટે પણ પ્લેટ સજાવે છે.ખલીલનો પરિવાર ઇફતારી સાથે સેહરીમાં પણ પુત્ર માટે પ્લેટ સજાવે છે. તેઓએ જે ગુમાવ્યું છે તે વિચારીને ઘણા દુઃખી થાય છે. પરિવારે જણાવ્યું કે, સુહૈલ પાડોશના ગામથી બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે સલામતી દળોના ગોળીબાર વચ્ચે ઘેરાઇ ગયો હતો. તે અને તેની પાછળ બેઠેલા કામદાર બંનેને ગોળી વાગતા તેઓ મોતને ભેટ્યા હતા. ખલીલે રૂદન સાથે કહ્યું કે મારો પુત્ર કોઇ ઉગ્રવાદી કે પથ્થરબાજ નહોતો. તેમણે કહ્યું કે, રોજમદાર શાહનવાઝ પણ ઉગ્રવાદી પ્રવૃત્તિમાં સામેલ નહોતો. જ્યારે સેનાએ સુહૈલ અને શાહનવાઝને ભૂલથી ગોળી મારી હોવાનું કબૂલ્યું તેની મિનિટોમાં જ તેમણે બે અન્ય નાગરિકો શાહીદ અને ગૌહર અહમદને પણ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. બીજી તરફ જન્નતનશીન અબ અહદ કુમારની વિધવા પત્ની સિઆદા બેગમ સેનાના ગોળીબારમાં મૃત્યુ પામેલા પોતાના પુત્ર માટે હજુ પણ ઘરના દરવાજા ખુલ્લા રાખે છે. ઉમરની બહેને કહ્યું કે, જ્યારે તે ૧૨ વર્ષનો હતો ત્યારથી રમઝાનમાં પુરા રોઝા રાખતો હતો. મારી માતાએ તેની સેહરી માટે દરરોજ સવારે વહેલા ઉઠવું પડતું હતું. તે હજુ પણ મારા ભાઇ માટે વહેલી ઉઠી જાય છે અને સેહરી બનાવે છે.