(એજન્સી) શ્રીનગર, તા.ર૬
ઘણા સમયથી કેન્સરની ઘાતક બીમારી સામે ઝઝૂમી રહેલી રપ વર્ષની મસરત જાન નામની મુસ્લીમ મહિલાની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવા માટે રેણી બક્ષી નામની એક કાશ્મીરી પંડિત મહિલા આગળ આવી છે. દક્ષિણ કાશ્મીરના તકીયા દરૂલ ગામની રપ વર્ષની મુસ્લિમ મહિલા મસરત જાન બોન કેન્સરથી ઘણા સમયથી પીડાઈ રહી છે. કેન્સરની સારવાર માટેના ખર્ચને પહોંચી વળવા પરિવાર પાસે નાણાની તંગી હતી. મજૂરીની તમામ આવક સારવાર પાછળ ખર્ચાઈ જતી હતી. પતિ મુશ્તાક અહેમદ મજૂરી કરી જે નાણા કમાતો હતો તે સારવારમાં ખર્ચાઈ ગયા. પરિવાર ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. પત્નીની સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ ગયા. ત્યારબાદ મિત્રોની સલાહથી સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરાઈ. માનવ પ્રેમી અને પરોપકારી એવી કુવૈતમાં રહેતી ઉદ્યોગપતિ કાશ્મીરી મહિલા પંડિત રેણુ બક્ષીની આ અપીલ પર નજર પડી. ફેસબુક પર અપીલ જોયા બાદ તરત જ પરિવારને મદદ માટે નિર્ણય કર્યો. રેણુ બક્ષીએ કહ્યું કે કાશ્મીરી મહિલાની અપીલ જોઈ આંખમાંથી આંસુ રોકી શકી નહીં. પીડિત મહિલાને મદદ માટે નક્કી કર્યું. અમે કાશ્મીરી લોકો હંમેશા ખરાબ સમયમાં એકબીજાને મદદ કરીએ છીએ જે અમારી પરંપરા છે. જૂન ર૧ના રોજ રેણુ બક્ષી અને તેની બહેન સ્થાનિક પત્રકાર સાથે પીડિત મહિલા મસરત જાનના ઘરે જઈ તેમની મુલાકાત લીધી અને સારવારનો તમામ ખર્ચ ઉપાડી લેવાની તૈયારી બતાવી. આ ઉપરાંત તેના પુત્રના શિક્ષણનો ખર્ચ પણ ઉપાડી લેવાની તૈયારી બતાવી. સારામાં સારી રીતે સારવાર અને બાળકના શિક્ષણનો તમામ ખર્ચ ભોગવવા માટે રેણુ બક્ષીએ ખાત્રી આપી. અચાનક ૪ વર્ષનો બાળક માતાના ખોળામાં આવી બેસી ગયો. તે સાથે જ માતા મસરત બોલી કે અલ્લાહે મારા બાળકને અનાથ થતો બચાવવા તેણીને અહીં મોકલી છે. તે સાથે જ મસરતની આંખમાંથી આંસુ સરી ગયા. રેણુ બક્ષીએ કહ્યું કે દિલ્હીના કેન્સર નિષ્ણાંત ડૉક્ટરોની એક ટીમ આગામી અઠવાડિયે કાશ્મીર આવશે અને પીડિત મહિલાની તપાસ કરશે. ત્યારબાદ તેમના અભિપ્રાય પછી દિલ્હી વધુ સારવાર માટે મસરતને લઈ જવાશે. મસરતે કહ્યું કે અમારી આશાઓ પૂરી થઈ તે એક ચમત્કારથી ઓછું નથી.
કેન્સર સામે જંગ ખેલી રહેલી મુસ્લિમ મહિલાની મદદે એક કાશ્મીરી હિન્દુ મહિલા આગળ આવી

Recent Comments