(એજન્સી) જમ્મુ, તા.રપ
ભારત સરકારના વાર્તાકાર દિનેશ્વર શર્મા જમ્મુ ખાતે કાશ્મીરી વિસ્થાપિત પંડિતોની મુલાકાત લીધી હતી. કાશ્મીરી પંડિતો જગતી વિસ્તારમાં વિરાટ ટાઉનશીપમાં વસે છે. પંડિતોની મુલાકાત લઈ તેમના પ્રશ્નોને સંભાળ્યા હતા. શર્મા અગાઉ શ્રીનગર અને જમ્મુના કેટલાક વિસ્તારોની મુલાકાતે ગયા હતા અને લોકોને મળ્યા હતા. તેઓ આગામી ૪ દિવસથી રાજ્યની મુલાકાતે છે. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા હતા ત્યારે વિસ્થાપિત થઈ ભારત આવેલા અને જમ્મુમાં રહેતા લોકોને પણ મળ્યા હતા. જેમની સંખ્યા અંદાજે ૩ લાખ હોવાનું કહેવાય છે. તેઓ સરહદી ગામોમાંથી વિસ્થાપિત થયેલા લોકોને પણ મળશે અને તેમને પુનઃ વસવાટ અંગે ખાત્રી આપશે. કાશ્મીર પ્રશ્નના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પૂર્વ ગુપ્તચર વિભાગના વડા દિનેશ્વર શર્માને કાશ્મીરના વાર્તાકાર તરીકે નિમ્યા છે. જેઓ કાશ્મીરના હકદારો સાથે વાતચીત કરી સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કરશે. અંદાજે ૬૦ હજાર કાશ્મીરી પંડિતો ૧૯૯૦માં આતંકવાદના ભયથી સ્થળાંતર કરી જમ્મુ આવીને વસ્યા છે. જેમાં ૩૯ હજાર પરિવાર જમ્મુમાં વસે છે. શર્મા કાશ્મીરના પુલવામા અને અનંતનાગ જિલ્લાઓની મુલાકાત લેશે જે સરહદ પર અશાંત વિસ્તાર છે. જેનો હેતુ પુલવામા અને અનંતનાગમાં યુવાનો સાથે વિચારોના આદાન-પ્રદાનનો છે. હિઝ કમાન્ડર બુરહાન વાનીના મોત બાદ આ વિસ્તાર અશાંતિનું એપીક સેન્ટર બન્યું હતું. કાશ્મીરની પહેલી મુલાકાત બાદ શર્માએ પથરાવ કરનાર ૪પ૦૦ જેટલા યુવકોની સામેના કેસો પાછા ખેંચી લઈ તેમને માફી આપવાની જાહેરાત કરી હતી. જેનો હેતુ યુવકોના દિલ જીતવાનો છે. જેમાં ૪પ૦૦ જેટલા પહેલીવાર પથરાવ કરનાર છે. નેશનલ કોન્ફરન્સના લઘુમતી સેલે કાશ્મીરી પંડિતોના પુનર્વસનની તેમની સંસ્કૃતિને બચાવવા માંગ કરી હતી. નેશનલ કોન્ફરન્સના નેતા વિજય બકાયાએ કહ્યું કે પંડિતો તેમના મૂળ નિવાસે જવા તૈયાર નથી. તેમને પરત કાશ્મીર ખીણમાં વસાવાય ત્યારે સામૂહિક વસાહતો ઊભી કરવી જોઈએ. બકાયા કાશ્મીરના પૂર્વ મુખ્ય સચિવ અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સલાહકાર હતા. તેમણે કહ્યું પંડિતોને સામૂહિક રીતે વસાવવાથી તેમની સંસ્કૃતિ અને પરંપરાનું રક્ષણ થશે તેમજ તેમની સલામતી રહેશે. રાજ્ય સરકારે એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ પણ શર્માને મળ્યું હતું. તેના પ્રમુખ શાહીલાલ પંડિતે ખીણમાં પંડિતો માટે ટાઉનશીપ બનાવવાની માંગ કરી હતી. ભારત સરકાર દ્વારા આવી હિલચાલનો ઈન્કાર કરાયો હતો. શર્માને મળવામાં પોતાનું નામ ન હોવાથી ઘણા લોકો ગુસ્સે ભરાયા હતા. જાતિ વસાહતીઓનું કહેવું છે કે, શર્માએ રાજકીય નેતાઓને મળવાના બદલે વિસ્થાપિતોને મળવું જોઈતું હતું.