(એજન્સી) તા.૫
જમ્મુ-કાશ્મીરના સૌરામાં ધારા ૩૭૦ રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ગંભીરરૂપે ઘાયલ થયેલા યુવક અસરાર અહેમદનું મૃત્યુ થયું છે. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ પ્રમાણે મૃતક ધો.૧૧મા અભ્યાસ કરી રહ્યો હતો, તે ધારા ૩૭૦ દૂર થયા પછી ૬ ઓગસ્ટે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન તે પેલેટ ગન વડે ઘાયલ થઈ ગયો હતો. આ કાશ્મીરી યુવકના મૃત્યુ પછી શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ફરીથી પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. પેલેટ ગનથી ઘાયલ થયેલા અસરાર અહેમદખાનની શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝમાં સારવાર ચાલી રહી હતી. જો કે, સેનાએ પેલેટ ગન વડે યુવકનાં મોત અંગેના અહેવાલો નકારી કાઢ્યા છે. બુધવારે એક પત્રકાર પરિષદમાં લેફ્ટન્ટ જનરલ કેજીએસ ધિલ્લોને કહ્યું હતું કે, તાજેતરમાં જે યુવકનું મૃત્યુ થયું છે, તેનું કારણ પેલેટ ગન નથી. આ યુવકનું મૃત્યુ પથ્થરમારામાં ગંભીર રીતે ઘાયલ થવાથી થયું છે. ર૯ ઓગસ્ટના એક મીડિયા અહેવાલ પ્રમાણે પ ઓગસ્ટ પછી કાશ્મીર ખીણમાં ૩૬ જેટલા લોકો પેલેટ ગનના કારણે ઘાયલ થયા છે.
ધારા ૩૭૦ રદ્દ કરવા વિરૂદ્ધ પ્રદર્શનમાં સામેલ થયેલા એક કાશ્મીરી યુવકનું મૃત્યુ

Recent Comments