ઉના,તા.૭
ઉના શહેરમાં જમ્મુ-કાશ્મીર વિસ્તારની રપ વર્ષીય યુવતી મળી આવતા પોલીસ અને આગેવાનોએ ભેગા મળી ઉત્તમ માનવતા દાખવી તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસની મદદ લઈ યુવતીનો તેના પરિવારજનો સાથે મિલાપ કરાવતા માનવતા મહેકી ઊઠી હતી.
ઉના શહેરમાં જમ્મુ કશ્મીર વિસ્તારની એક યુવતી ગુજરાતના સોમનાથ જિલ્લાના ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં તા.૨/૭/૨૦૧૭ના રોજ મળી આવતા આ યુવતી અંગે શિક્ષક કોલોની વિસ્તારના લોકોએ ઉના પી.આઇ ખુમાણને જાણ કરતા ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા અને ત્યા ઉભેલી યુવતીને ઉના પોલીસ સ્ટેશને લાવી નામઠામ પુછતા પોતાનું નામ નિલોફર અલીમહમદ શેખ (ઉ.વ.૨૫ રહે જમ્મુ કાશ્મીર) હોય અને તેને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી લાવેલ હોય અને આ વિસ્તારમાં છોડી ચાલ્યો ગયો હોવાનું જણાવતા પોલીસે આ યુવતીએ પોતાની સાથે કોઇ પ્રકારની છેડછાડ થયેલ ન હોવાનું જણાવેલ અને યુવતીના વાલીનો ઉના પી.આઇ. ખુમાણએ જમ્મુ કશ્મીર પોલીસ મારફત સંપર્ક કરી યુવતીન પરીવારને શોધી કાઢવા જણાવતા કશ્મીર પોલીસે નિલોફર શેખના માતા હફીઝાબેન અને બનેવી જહીર અબ્બાસનો સંપર્ક થતા ઉના બોલાવ્યા હતા. ઉના ખાતે આ પરીવાર આવી પહોચતા ઘાંચી જમાતના મોલાના આરીફપ્રજા તેમજ મુસ્લીમ અગ્રણીઓ મારફતે પોલીસ પરીવાર સાથે મુલાકાત કરાવતા પોલીસે યુવતી નિલોફર અને તેના માતા, બનેવીના નિવેદનો નોંધી જમાદાર હરેશભાઇ ભેડા અને પોલીસ અધિકારીએ નિલોફરને તેના પરીવાર સાથે મિલન કરાવતા પોલીસની માનવતા ભરી આ કામગીરી જોઇ કશ્મીરનો પરીવાર ભાવુક બની ગયેલો અને પોલીસનો આભાર માનેલ હતો. પોલીસે આ પરીવારને માનવતા પુર્વક કશ્મીર જવા માટેની તમામ વ્યવસ્થા કરાવી માનવતાનો ઉત્તમ નમુનો તેમજ ફરજની ઉત્તમ મિશાલ રજૂ કરી હતી.