(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ૧૧ રાજ્યોને નિર્દેશો આપ્યા છે કે, પુલવામામાં થયેલ હુમલા પછી કાશ્મીરીઓ ઉપર જે હુમલાઓ કરાઈ રહ્યા છે. એના પગલે કેન્દ્ર અને રાજ્યો કાશ્મીરીઓની સુરક્ષા બાબત પૂરતા પગલાં લે. જે રાજ્યોમાંથી કાશ્મીરીઓ ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ સામે આવી છે. એમની પાસેથી અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજદાર તારિક અદીબે સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે નિર્દેશો બહાર પાડ્યા છે. સુપ્રીમ કોર્ટની સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાની હેઠળ બેંચે નિર્દેશો આપ્યા છે કે, રાજ્યોમાં જે પોલીસ અધિકારીઓની નિમણૂક ટોળાકીય હત્યાઓ રોકવા માટે કરવામાં આવી છે. એ અધિકારીઓ કાશ્મીરીઓ ઉપર થતાં હુમલાઓ બાબત ધ્યાન આપશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના ગૃહ મંત્રાલયને સૂચનાઓ આપી છે કે, આવા નોડલ અધિકારીઓ બાબત વ્યાપક પ્રચાર કરવામાં આવે, જેથી હુમલાઓનો ભોગ બનેલ કાશ્મીરીઓ એમની પાસેથી મદદ મેળવી શકે. મુખ્યસચિવો, રાજ્યના ડીજીપીઓ, દિલ્હી પોલીસ કમિશનરને પણ ભય, હુમલાઓ અને સામાજિક બહિષ્કારના પ્રસંગોએ તરત ધ્યાન આપી આ પ્રકારની ઘટનાઓ થતી રોકવામાં આવે એ પ્રકારના નિર્દેશો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સહિત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મેઘાલય, પ.બંગાળ, છત્તીસગઢ અને ઉત્તરાખંડના ડીજીપીઓ અને દિલ્હીના પોલીસ કમિશનર અને મુખ્યસચિવોને નિર્દેશો આપ્યા છે. વરિષ્ઠ વકીલ કોલિન ગોનસાલ્વેસે અરજદારો તરફથી રજૂઆત કરી કે, અરજી દાખલ કર્યા પછી પણ ૧૦થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં કાશ્મીરીઓ ઉપર હુમલાઓ કરાયા હતા. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરતા એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે જણાવ્યું કે, મંત્રાલયે આ મુદ્દે ૧૭મી ફેબ્રુઆરીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી મોકલી આપી છે અને જણાવાયું છે કે, આ ઘટનાઓને રોકવાના પગલાઓ લેવામાં આવે. પણ અમે રાજ્યોને વધુ ખાસ પગલાં લેવા જણાવી નહીં શકીએ. કારણ કે, કાયદો વ્યવસ્થા સાચવવાની જવાબદારી રાજ્ય હસ્તકનો વિષય છે. આ રજૂઆતની નોંધ લઈ સુપ્રીમ કોર્ટે પોતાના પ્રથમ આપેલ દિશા-નિર્દેશોનો ઉલ્લેખ કર્યો. જેમાં કોર્ટે રાજ્યોમાં નોડલ અધિકારીઓની નિમણૂક ટોળાકીય હત્યાઓ રોકવા માટે કરી હતી. કોર્ટે કહ્યું કે, એ નોડલ અધિકારીઓ, કાશ્મીરીઓ અને અન્ય લઘુમતીઓ સામે થતાં હુમલાઓને રોકવા પગલાં લેશે. અરજીમાં માગણી કરાઈ હતી કે, કેન્દ્ર સરકાર અને અન્ય સત્તાધીકારીઓને નિર્દેશો આપવામાં આવે કે, એ નફરત ફેલાવનાર લોકો સામે કડક પગલાં લઈ એમની સામે કેસો દાખલ કરે. દેશભરમાં એક હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવે અને એક વેબસાઈટ પણ શરૂ કરવામાં આવે જેમાં નોડલ અધિકારીઓની વિગતો અને એમના સંપર્ક નંબરો પણ જણાવવામાં આવે. પુલવામામાં થયેલ હુમલા પછી કાશ્મીરીઓ અને મુસ્લિમો સામેના હુમલાની ઘટનાઓમાં અતિશય વધારો થયો હતો. આ ઘટનાઓ નફરત ફેલાવનાર અભિયાનનો સંગઠિત પ્રયાસ છે. જેના દ્વારા સ્થાપિત હિતો રાજકીય લાભ લેવા પ્રયાસો કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સાત પાકિસ્તાની ત્રાસવાદીઓને તિહાર જેલમાં ટ્રાન્સફર કરવા માગણી કરી

જમ્મુ-કાશ્મીર સરકારે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, સાત પાકિસ્તાની ત્રાસવાદીઓને જમ્મુ જેલમાંથી ટ્રાન્સફર કરી, તિહાર જેલમાં મોકલવામાં આવે. સરકારે પાકિસ્તાની ત્રાસવાદીઓ ઉપર આક્ષેપો મૂકયા કે, એ લોકો સ્થાનિક કેદીઓનો ધ્રુવિકરણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેંચના જજો એલ.એન. રાવ અને એમ.આર. શાહે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પાસેથી આ બાબતે જવાબ માંગ્યો છે. જમ્મુ-કાશ્મીરના વકીલ શોએબ આલમે કહ્યું કે, ત્રાસવાદીઓ વિવિધ ત્રાસવાદી સંગઠનો સાથે જોડાયેલ છે. એમને જમ્મુની જેલ બિહાર મોકલવામાં આવે. કારણ કે, એ સ્થાનિક કેદીઓને ભડકાવી રહ્યા છે. જો એમને તિહાર નહીં તો પંજાબ અથવા હરિયાણાની જેલમાં મોકલવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ મામલાની સુનાવણી કરીશું. કોર્ટે વકીલને જણાવ્યું કે, નોટિસની એક નકલ સાત કેદીઓને પણ આપવામાં આવે. ૧૪મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ હુમલા પછી બીજા દિવસે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી કે, લશ્કર-એ-તૈયબાના ત્રાસવાદી ઝાહિદ ફારૂકને જમ્મુની જેલમાંથી અન્ય સ્થળે ટ્રાન્સફર કરવામાં આવે. સરકારે આક્ષેપો કર્યા હતા કે, ફારૂક સ્થાનિક કેદીઓને ભડકાવી રહ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો.