(એજન્સી) કાશ્મીર, તા. ૧૧
જમ્મુ કાશ્મીરની ત્રીજા દિવસની મુલાકાતમાં ગૃહમંત્રી રાજનાથે એવું જણાવ્યું કે કેન્દ્ર સરકાર કાશ્મીરના ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો સાથે ગુનેગારો જેવું વર્તન નહીં કરે. જ્યારે તેમણે એમ પણ કહ્યું કે કલમ ૩૫-એ મુદ્દે સરકાર કાશ્મીરીઓની ભાવનાઓનું આદર કરશે.
તેમણે કહ્યું કે જો જરૂર પડી તો એક વર્ષમાં ૫૦ વાર કાશ્મીર આવીશ. આજની મુલાકાતમાં રાજનાથે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં કાશ્મીરમાં પરિસ્થિતિ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે હું કાશ્મીર વિવાદનો ઉકેલમાં ઈચ્છુક કોઈ પણ વ્યક્તિને મળવા તૈયાર છું. હું કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે તમામ લોકોને આગળ આવવાની અપીલ કરૂ છું. તેમણે ઉમેર્યું કે જો જરૂર પડી તો પાંચ વાર નહીં પરંતુ પચાસ વાર કાશ્મીર આવીશ. અમે પ્રત્યેક કાશ્મીરીના ચહેરા પર હાસ્ય જોવા માંગીએ છીએ. રાજનાથે વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સાથે પણ મુલાકાત કરી હતી. રાજનાથે કહ્યું કે ઓમર અબ્દુલાએ વડાપ્રધાન મોદીના આઝાદી દિવસના ભાષણનું સ્વાગત કર્યું છે જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે કાશ્મીરીઓને હેતથી વધાવી લેવાની જરૂર છે તેમને ગોળીઓ કે ગાળાગાળાની જરૂર નથી. રાજનાથે કાશ્મીરમાં શાંતિ પ્રયાસોનું એક આગળ ડગલું ભરતાં કહ્યું કે હું પ્રત્યેક સાથે વાતચીત કરવા તૈયાર છું. હું એવા તમામ લોકોને આમંત્રિત કરૂ છું જેઓ કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે અમારી સહાય કરવા માંગતા હોય. ગૃહમંત્રીએ કહ્યું કે દહેશતગર્દીઓએ અનેક પેઢીઓને બર્બાદ કરી છે. અમે નવી પેઢીને બર્બાદ કરી નાખવા માંગતા નથી. તેમણે કહ્યું કે ગરીબો વધારે ભોગ બન્યાં છે. કાશ્મીરની સ્થિતિ એટલી બધી ગંભીર બનાવી દેવામાં આવી છે કે ભારતમાંજ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મેસેજ ગયો છે. કાશ્મીરની હાલત ઠીક નથી તેની પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ પહેલા રાજનાથે કહ્યું હતું કે હું ખુલ્લા મને રાજ્યની મુલાકાતે આવ્યો છું અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધી શકે તેવા તમામ હિતધારકો સાથે મુલાકાત કરવા ઈચ્છુક છું. રાજનાથ સંખ્યાબંધ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી.