શ્રીનગર, તા. ૭
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલા સેનાના કેમ્પમાંથી સર્વિસ રાઇફલ સાથે જવાન ગુમ થઇ જતા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પુલવામાના સિરવુનો રહેવાસી સિપાહી ઝહૂર અહેમદ ઠાકોર બારામુલ્લાના ગંટામુલા સેક્ટરમાં આવેલી આર્મીની ૧૭૩મી બટાલિયનમાં ફરજ બજાવી રહ્યો હતો. ઝહૂરની ૫ અને ૬ જુલાઇની રાતે ડ્યૂટી ચાલુ હતી ત્યારે તે પોતાની પાસે રહેલી રાઇફલ અને ત્રણ મેગઝીન સાથે ભાગી ગયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ખીણમાં પોલીસે એલર્ટ જારી કરી દીધું છે. તમામ ફિલ્ડના સૈન્યને પણ માહિતી આપી દેવામાં આવી હતી. જોકે, આ જવાન ઉગ્રવાદીઓ સાથે જોડાઇ ગયો છે કે, કેમ તે અંગેની કોઇ માહિતી નહોતી. પરંતુ ઘણી સલામતી એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે, તે કદાચ ઉગ્રવાદીઓ સાથે મળી ગયો હોઇ શકે. સેનાએ આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય તેવુ પહેલીવાર બન્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ આવી રીતે ભાગી જઇ ઉગ્રવાદીઓ સાથે મળી ગયાની ઘટનાઓ બની છે.