(એજન્સી)
સંયુક્ત રાષ્ટ્ર, તા. ૩૦
મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે, ભારતે જમ્મુ-કાશ્મીર પર ‘‘આક્રમણ કરીને કબજો’’ કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતે આ મુદ્દાના સમાધાન માટે પાકિસ્તાન સાથે મંત્રણા કરવી જોઇએ. મલેશિયન પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતની કાર્યવાહીના કારણો હોઇ શકે છે તેમ છતાં આ ખોટું છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો છતાં જમ્મુ-કાશ્મીર પર ‘‘આક્રમણ અને કબજો’’ કરાયો છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના અવગણનાથી અન્યો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અને કાયદાના શાસનની અવગણનાના મામલા સામે આવશે. ભારતે આ સમસ્યાનો ઉલેલ લાવવા માટે પાકિસ્તાન સાથે વાત કરવી જોઇએ.
પોતાના નિવેદનમાં મહાતિરે ટિ્‌વટર પર પોસ્ટ કર્યું જે બાદ યૂઝર્સે તેમની ટિકા કરી હતી. મહાતિરની ટિપ્પણી પર ટિ્‌વટ અંગે આકરી પ્રતિક્રિયા મળી હતી. મહાતિરે બાદમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યમથકમાં પત્રકર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયામાં મુલાકાત દરમિયાન તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો કેમ પરત લીધો તો તેમણે પોતાના ભારતીય સમકક્ષને કાશ્મીર મુદ્દાને ‘‘આક્રમણ’’ને સ્થાને ‘‘વાતચીત’’ દ્વારા ઉકેલવાની સલાહ આપી હતી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, કલમ ૩૭૦ને સમાપ્ત કરવી તેનો આંતરિક મામલો છે. ભારત કાશ્મીરને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઇ પણ સંભાવનાને એમ કહીને અસ્વીકાર કર્યો હતો કે, બંને દેશો દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરીને તેને ઉકેલી શકે છે. મહાતિરે આ મહીનાની શરૂઆતમાં રશિયાના વ્લાદિવોસ્તોકમાં એક આર્થિક મંચની બેઠક દરમિયાન મોદી સાથે મુલાકાત કરી હતી.મહાતિરને એક પત્રકારે પુછ્યું હતું કે, શું તેમણે શાંતિ અને સંયમ જાળવી રાખવા માટે ભારત અને પાકિસ્તાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે.

યુએનમાં મલેશિયાના વડાપ્રધાન મહાથિરનું સંબોધન : દરેક
જગ્યાએ મુસ્લિમો પર અત્યાચારો ગુજારવામાં આવે છે

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના ૭૪મા સત્ર દરમ્યાન મલેશિયાના વડાપ્રધાન ડૉ.મહાથિર મોહમ્મદે ઈઝરાયેલ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પેલેસ્ટીની જમીન પર કબજો કરીને અને તેની ૯૦ ટકા અરબ વસ્તીને હાંકી કાઢીને રચાયેલું ઈઝરાયેલ એ આતંકવાદનું મૂળ કારણ છે.
મલેશિયાના વડાપ્રધાને કહ્યું કે, “ઘણાં દેશોમાં યુદ્ધ લડવામાં આવ્યા છે અને તેમાંના ઘણાં યુદ્ધ ઈઝરાયેલના નિર્માણને સંબંધિત છે. અને હવે આપણે એવા આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ કે જેનું પહેલાં ક્યારેય કોઈ અસ્તિત્વ નહોતું અથવા તો વર્તમાન સમયમાં પણ તેનું કોઈ સ્થાન નથી. આતંકવાદની વિરૂદ્ધ લશ્કરી કાર્યવાહી સફળ નહીં થાય. આપણે તેના કારણને જાણવું પડશે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે પરંતુ મહાન શક્તિઓ આ મૂળ કારણનો સામનો કરવાનો ઈન્કાર કરે છે.”
વડાપ્રધાને ઉમેર્યું કે, મલેશિયા ઈઝરાયેલના રાજ્યનો એક સાથી તરીકે સ્વીકાર કરે છે પરંતુ ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટીની જમીનો પર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો છે તેને તે સ્વીકારી શકશે નહીં. ઉપરાંત પેલેસ્ટીનીઓ પોતાની જ જમીનો પર ઉભી કરવામાં આવેલી વસાહતોમાં પ્રવેશ નથી કરી શકતા તે બાબત પણ ઘણી ચિંતાજનક છે.
તેઓએ જણાવ્યું કે, ઈઝરાયેલની રચનાને કારણે હવે મુસ્લિમો અને ઈસ્લામ પ્રત્યે દુશ્મનાવટ ફેલાઈ રહી છે. ભલે મુસ્લિમોએ કંઈપણ ન કર્યું હોય, તો પણ તેમને આતંકવાદના આરોપી બનાવવામાં આવે છે. લોકશાહી અને શાસનના પરિવર્તનના અભિયાનના માધ્યમથી મુસ્લિમ દેશોને અસ્થિર કરવામાં આવ્યા છે. દરેક જગ્યાએ મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવ્યા, તેમના દેશોને ધ્વસ્ત કરીને તેમને આશ્રય આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો. મલેશિયાના વડાપ્રધાને અંતમાં કહ્યું કે, “ઈઝરાયેલ દુનિયાના તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માપદંડોને તોડી શકે છે અને તેનું સમર્થન અને બચાવ જારી રહેશે. દુનિયામાં કોઈ ન્યાય નથી.”