(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરતમાંથી ગુજરાત એટીએસે ઝડપી પાડેલા બે કથિત આતંકીઓને અંકલેશ્વર કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમણે રિમાન્ડ મેળવી હાથ ધરાયેલી વધુ તપાસમાં ગત મોડી સાંજે કાસીમના રાંદેર ખાતેના નિવાસે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉપરાંત પોલીસે એટીએસના પીઆઈ કે.કે.પટેલ દ્વારા મક્કાઈપુલ પાસે આવેલી બોટાવાળા મસ્જિદના ઈમામ ઈશાકનું નિવેદન લેવાયા બાદ તેમને શહેર નહીં છોડવા પણ જણાવવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસના અધિકારીઓએ ગત સપ્તાહમાં શહેરના એડવોકેટ ઉબેદ બેગ મિરાઝા અને ટેકનિશિયન કાસીમ સ્ટીમ્બરવાળાનું આતંકવાદી સંગઠન આઈએસઆઈ સાથે સંપર્કો મળતા તેઓની ધરપકડ કરી અંકલેશ્વરની કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ હથિયારોની ખરીદી કરી હતી કે નહીં ? બે આતંકીઓને ફંડીંગ કોણ પુરૂં પાડતું હતું ? અન્ય કોણ કોણ વ્યક્તિઓ સંકળાયેલા છે ? રિમાન્ડ અરજીની સુનાવણી બાદ અદાલતે ૬ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસએ આ બંને કથિત આતંકીઓની કડક પૂછપરછ શરૂ કરી હતી. જો કે, ગતરોજ કાસીમ સ્ટીમ્બરવાળાના રાંદેર પાંચ હાટડીના ફાતિમા મંજિલ ખાતે નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, પોલીસે શનિવારના રોજ મક્કાઈપુલ ક્વોલિટી રેસ્ટોરન્ટ પાસે આવેલી બોટાવાળા મસ્જિદમાં નમાઝ પઢાવવાનું કાર્ય કરતા ઈમામ ઈશાકનું નિવેદન એટીએસ દ્વારા લેવામાં આવ્યું હતું અને પોલીસ તપાસમાં સહકાર આપી શહેર નહીં છોડવા જણાવવામાં આવ્યાનું જાણવા મળે છે.