(એજન્સી) તા.ર૭
દક્ષિણ કાશ્મીરના પુલવામા જીહાદી તત્ત્વોના ષડયંત્ર છતાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારો યથાવત છે. પુલવામા વર્ષોથી રહેતા ડૉ.રત્નલાલ કૌલનું જ્યારે બે દિવસ પહેલાં મોત નિપજ્યું તો પાડોશીઓએ તેમના કુટુંબીજનોને તેમનો મૃતદેહ જમ્મુ લઈ જવા દીધો નહીં તે જમ્મુથી તેમના કુટુંબીજનોને લઈ આવ્યા અને અંતિમયાત્રામાં લગભગ ૬ હજાર લોકો સામેલ થયા. સમાચાર મુજબ પુલવામાના મુરન વિસ્તારમાં રહેતા રત્નલાલે આતંકવાદીઓની ધમકીઓ છતાં પોતાનું ઘર છોડયું નહીં તે મુરનમાં જ રહ્યા. જ્યારે તેમનું અવસાન થયું તો તે સમયે તેમનો નાનો પુત્ર જ તેમની સાથે હતો. પાડોશીઓને જ્યારે જાણ થઈ તો તે તરત જ રત્નલાલના ઘરે પહોંચ્યા. પુત્રએ જણાવ્યું કે તે પોતાના પિતાનો અંતિમ સંસ્કાર જમ્મુમાં કરવા ઈચ્છે છે કારણ કે, સંપૂર્ણ પરિવાર ત્યાં છે પરંતુ પાડોશી માન્યા નહીં. તેમણે મૃતકના પુત્રને સંભાળ્યો અને ત્રણ ગાડીઓ જમ્મુ માટે મોકલી જેથી તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓને પુલવામા લાવી શકાય. મુસ્તાક અહેમદે જણાવ્યું કે, રત્નલાલના તમામ સંબંધી સવારે અહીં પહોંચ્યા. અમે બધી તૈયારી કરી રાખી હતી. તેમના અવસાનના સમાચાર સાંભળીને પુલવામાના વિવિધ ગામડાઓ ઉપરાંત શોપિયાં તેમજ કુલગામથી અંતિમયાત્રામાં સામેલ થવા આવ્યા. આ વિસ્તારમાં કદાચ જ કોઈ હશે જે તેમને ઓળખતા નહીં હોય. પુલવામા દવાઓની પ્રથમ દુકાન તેમની જ હતી. દિવસ હોય કે રાત કોઈપણ તેમની પાસે પોતાની બીમારી માટે જતું હતું તો તે દવા લઈને જ પરત ફરતા હતા. ઈરશાદ બટે જણાવ્યું કે હું પ૦ વર્ષનો છું. મેં રત્નલાલને બાળપણથી જોયા છે જે માણસ આજીવન કાશ્મીર છોડીને નથી ગયો. જે અમારા સુખ-દુઃખનો સાથી રહ્યો. અમે મર્યા પછી તેમને કેવી રીતે માટીથી દૂર થવા દેતા. અહીં સ્થિતિ બરાબર નથી, ફોન નથી ચાલી રહ્યા. જમ્મુથી ગાડી મળતી કે ન મળતી માટે અમે અહીંથી ત્રણ ગાડીઓ જમ્મુ મોકલી. ચુન્નુલાલ નામના કાશ્મીરી પંડિતે જણાવ્યું કે, આ જ તો કાશ્મીરીયત છે. જેહાદિયોએ કાશ્મીરીયતને મારવાના ઘણા ષડયંત્ર કર્યા પરંતુ આ આજે પણ જીવિત છે. રત્નલાલના મૃત્યુ પર સંપૂર્ણ પુલવામાના લોકો દુઃખી છે. રત્નલાલના એક સંબંધી જે શિક્ષક છે. તેમણે જણાવ્યું કે, અમે અહીં આવવાથી ડરી રહ્યા હતા પરંતુ પાડોશીઓએ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી હતી. અહીંના લોકોએ જે રીતે વ્યવહાર કર્યો છે તેનાથી સાબિત થાય છે કે, કાશ્મીરમાં ભાઈચારો આજે પણ મજબૂત છે.