ગાંધીનગર, તા.ર૩
રાજ્યમાં વિકાસની મોટાપાયે ગુલબાંગો હાંકતી ભાજપ સરકાર રાજ્યના સામાન્ય નાગરિકોના જીવન જીવવાના, સ્વતંત્રતા, સમાનતા તથા માનવ ગરિમાના મૂળભૂત અધિકારો જેવા માનવ અધિકારોના રક્ષણની બાબતમાં નિષ્ફળ ગઈ હોવાનું સરકારી દસ્તાવેજના આધારે જ કહી શકાય. રાજ્યમાં આટ-આટલી જાગૃતિ લાવવા ઉપરાંત સૂચનાઓ વગેરે આપવા છતાં માનવ અધિકારોના ભંગના કિસ્સાઓનો આંકડો એટલો જ રહેવા પામ્યો છે. એટલું જ નહીં ગત વર્ષના કેસો પૈકી ૧૮૩ આવા કેસો હજુ સુધી પડતર રહેવા પામ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કસ્ટોડિયલ ડેથનો સિલસિલો જારી રહેતા કસ્ટોડિયલ ડેપના પ૭ કેસો નોંધાવવા પામ્યા હતા.
રાજ્ય માનવ અધિકાર આયોગથી લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા નાગરિકોના માનવ અધિકારોના રક્ષણ માટે વિવિધ કાર્યક્રમો આયોજનો કરવા સાથે નિર્દેશો-પગલાઓ લેવાની કાર્યવાહી કરાતી હોવા છતાં રાજ્યમાં માનવ અધિકારોના ભંગના કિસ્સાઓ બનતા રહે છે. એટલું જ નહીં કસ્ટોડિયલ ડેથના બનાવો પણ એવરેજ એટલા જ બનતા રહે છે. ર૦૧૭-૧૮ના વર્ષમાં રાજ્યના કુલ પ૭ બનાવો કસ્ટોડિયલ ડેથના બનવા પામ્યા હતા. એટલે કે પ૭ વ્યક્તિઓ જે તે ગુના બદલ પોલીસ હિરાસતમાં આવ્યા બાદ મોતને ભેટી હતી. આ પ૭ બનાવો પૈકી ૪૬ મૃત્યુ જેલ કસ્ટડીમાં થયેલ છે. તો ૧૧ વ્યક્તિઓના મૃત્યુ પોલીસ કસ્ટડીમાં થવા પામેલ છે. જે પૈકી સૌથી વધુ અમદાવાદ શહેરમાં કુલ ૧૪ કસ્ટોડિયલ ડેથ નોંધાયા હતા. જ્યારે વર્ષ દરમ્યાન માનવ અધિકાર આયોગ સમક્ષ કુલ ર૮૮પ કેસો માનવ અધિકાર ભંગ બદલના નોંધાયા હતા. અગાઉના વર્ષોમાં આયોગ સમક્ષ આવતા આવા કેસો પૈકી ગણ્યા-ગાંઠ્યા કેસો સિવાય તમામનો આયોગ દ્વારા નિકાલ કરી દેવાતો હતો ત્યારે આ વખતે ર૦૧૭-૧૮ના ઉક્ત કેસો પૈકી નિકાલના અભાવે ૧૮૩ કેસો પડતર રહેવા પામ્યા છે. જેની વિગતો આયોગના અહેવાલમાં દર્શાવાઈ છે. પડતર કેસોમાં પણ સૌથી વધુ અમદાવાદ શહેરના પ૦ કેસો પડતર રહેવા પામ્યા હતા.

માનવ અધિકારની બાબતમાં પોલીસ
જ આરોપીના પાંજરામાં : સૌથી વધુ કેસ

ગુજરાતમાં માનવ અધિકાર ભંગના છેલ્લા પાંચ વર્ષના કેસોનું સરવૈયું જોઈએ તો તેમાં સૌથી વધુ કેસો પોલીસ સામેના છે. એટલે કે રાજ્યના લોકોની સલામતી-સુરક્ષા સહિત કાયદો-વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે જ પોલીસ કેવી જવાબદારી નિભાવે છે તે આ આંકડા પરથી જણાઈ આવે છે. એટલું જ નહીં પાંચ વર્ષ પૈકી આ અંગેના કેસોમાં છેલ્લા ત્રણ વર્ષમાં વધારો પણ નોંધાવવા પામ્યો છે. તે ઉપરાંત રાજ્યામાં મહિલાઓને લગતા (બળાત્કાર-છેડતી સહિતના) કેસો પણ એક હજારથી વધુ નોંધાવવા પામેલ છે. રાજ્ય માનવ અધિકાર આયોગના અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં વિવિધ પ્રકારના માનવ અધિકાર અંગેના કુલ ૧૬૬૪૧ કેસો નોંધાયા હતા. જે પૈકી ત્રીજા ભાગના કેસોમાં પોલીસ સામે કે તેને લગતા કેસો છે. એટલે કે આવા પર૭૯ કેસો પોલીસ સામે કે તેને લગતા નોંધાયેલા છે. ર૦૧૩-૧૪માં આવા ૯પ૪ કેસો હતાં તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વધારો નોંધાયો હતો. ર૦૧પ-૧૬માં ૧૦૩૭, ર૦૧૬-૧૭માં ૧૩૧૭ અને ર૦૧૭-૧૮માં ૧૧૪૮ કેસ નોંધાયા હતા. પોલીસ સામેના માનવ અધિકાર ભંગના કેસોમાં સત્તાનો આપખુદ ઉપયોગ, ગોળીબારમાં મોત, એન્કાઉન્ટરમાં મોત, બનાવટી એન્કાઉન્ટર, ગેરકાયદેસર ધરપકડ, કિન્નાખોરીનો ભોગ- શોષણ તેમજ કસ્ટડીને લગતા બનાવો કે જેમાં કસ્ટડી મૃત્યુ, બળાત્કાર, સતામણી, હિંસા સહિત વિવિધ બનાવોનો સમાવેશ થાય છે. અયોગ સમક્ષ આવતા કેસો પૈકી સૌથી વધુ કેસો આ પ્રમાણેના પોલીસ સામે કે તેને લગતા હોય છે. તેના પરથી પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. જ્યારે મહિલાઓને છેડતી-બળાત્કાર, જાતિય સતામણી, શોષણ, અનૈતિક વ્યાપાર સહિતના વિવિધ બનાવોના ૧૦૯૪ કેસો નોંધાયા હતા.