(એજન્સી) કટક, તા. ૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના કટકમાં રિપોર્ટ કાર્ડ રજુ કરીને પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે જનપથથી નહીં બલ્કે જનમતથી સરકાર ચલાવી રહ્યા છે. મોદીએ પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આજે એકબીજાના દુશ્મન પણ પોતાને બચાવવાના હેતુસર એકબીજાની નજીક આવી ગયા છે. મોદીએ ઉમેર્યું હતું કે જનતાની અપેક્ષાઓ એજ વખતે સ્પષ્ટ થઈ ગઈ હતી જ્યારે જનતાએ ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે અમે કઠોર નિર્ણય લેવાથી ડરતા નથી. મોટા નિર્ણય કરવાથી ચૂકતા પણ નથી. દેશમાં જ્યારે કન્ફયુઝન નહીં કમિટમેન્ટવાળી સરકાર હોય છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવે છે. ત્યારે જ વન રેન્ક વન પેન્શનને મંજુરી મળે છે. ત્યારે જ દશોકથી અટકેલા બેનામી સંપત્તિ કાયદા પસાર થાય છે. દુશ્મનોની સંપત્તિ જપ્ત કરવાવાળા કાનૂન કરવામાં અમે સફળ રહીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે અમે જનતાનો વિશ્વાસ અને જનતાના મત બંને જીતી ચુક્યા છીએ. જનતાનો વિશ્વાસ અને જનતાના મત જીત્યા બાદ છેલ્લા ચાર વર્ષના ગાળામાં પાંચ રાજ્યોથી વધીને અમારી સરકાર ૨૦ રાજ્યોમાં પહોંચી છે. દેશભરમાં ભાજપના આજે ૧૫૦૦ થી પણ વધારે ધારાસભ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક એકમોથી લઈને ટોપ લેવલ સુધી અમારા જન પ્રતિનિધિ સેવામાં જોડાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપ યોગ્ય રીતે જ પંચાયતથી લઈને સંસદ સુધીની પાર્ટી બની ચુકી છે. અમને જનતાનો જે આશિર્વાદ મળ્યો છે તે અમારા કોઈ દળ અથવા તો કોઈ નેતાની જીત નથી. આ જનતાના વિશ્વાસની જીત છે. એવી માતાઓનો આશિર્વાદ છે જેમને ઉજ્જવલા યોજનાથી ધુમાડાથી મુક્તિ અમે અપાવી છે. આ એવી પુત્રીઓની ખુશી છે જેમની સુરક્ષા અને શિક્ષણ ઉપર અમે ભાર મુકી રહ્યા છીએ. એવા અન્નદાતાઓના આશિર્વાદ છે જેમના હિતોની સુરક્ષા અમે કરી રહ્યા છીએ. મોદીએ ઉમેર્યું હતું કે ચાર વર્ષથી દેશના લોકોમાં આ વિશ્વાસ જગાવવા માટે દિન રાત અમે એક કરી દીધા છે. અમે એવો વિશ્વાસ જગાવ્યો છે કે સ્થિતિઓને બદલી શકાય છે. દેશ હવે નિરાશાથી આશા તરફ કુશાસનથી સુસાશન તરફ, કાળા ધનથી જનધનની તરફ આગળ વધી રહ્યો છે. કામાખ્યા, કન્યાકુમારી, બલિયા, બીદર, બાડમેર સુધી આ સરકાર સબસા સાથ સબકા વિકાસ માટે કામ કરી રહી છે. આ એ એનડીએ સરકાર છે જેના માટે ગરીબોના પરસેવા ગંગા યમુના અને નર્મદાના જળની જેમ પવિત્ર છે. ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની બિનહિસાબી આવકને પકડી પાડવામાં આવી છે. જ્યારે કમિટમેન્ટવાળી સરકાર ચાલે છે ત્યારે કાળા ધન અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ જીતી શકાય છે.