(એજન્સી) રોમ, તા. ૨
કતારે એવું કહ્યું કે ઘણા આરબ દેશો દ્વારા સંખ્યાબંધ માંગણીઓ કરવામાં આવી છે કે આર્થિક ઘેરાબંધી પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે માંગણીઓની યાદી ઈન્કારવા માટે બનાવવામાં આવી છે. કતારના વિદેશ મંત્રી શેખ મોહમદ બીને કહ્યું કે તેમણે સાઉદી અરેબિયા તથા તેના ગઠબંધન દળો દ્વારા મૂકવામાં આવેલી૧૩ માંગણીઓની એક યાદી રજૂ કરી હતી. કતારે કહ્યું કે અમને ૨૨ જુનના રોજ આ માંગણીઓની યાદી મળી હતી અને તેનો અમલ કરવા માટે ફક્ત ૧૦ દિવસ રહ્યાં છે જેનો અર્થ એવો થયો કે અમારે રવિવારે તેનો અમલ કરી દેવાનો રહેશે. જોકે આ ડેડલાઈનની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે બધાનેખબર છે કે કતારની સાર્વભોમત્વતા પર અતિક્રમણ કરવા માટે આ માંગણીઓની યાદી રજૂ કરવામાં આવી છે. સાઉદી અરેબિયા, અમીરાત અને બહેરીન અને ઈજિપ્તે ચાલુ મહિનાની શરૂઆતમાં એવી જાહેરાત કરી હતી કે કતાર સાથેના સંબંધો સંપૂર્ણપણ રદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ વાતની અસર તો બર્લિનની વોલ કરતાં વધારે વિનાશકારી છે. રિયાધની માંગણીઓમાં મુસ્લિમ બિરાદરો માટે દોહાનો ટેકો બંધ કરવાની, તથા અલ જજીરા ચેનલને બંધ કરવાની માગણીનો સમાવેશ થાય છે. સંયુક્ત આરબ અમીરાતે કતારને એવી ચેતવણી આપી છે કે કતારે આ માંગણીને ગંભીરતાથી લેવી જોઈએ અન્યથા અખાતી પડોશીઓના તલાકનો સામનો કરવો જોઈએ. તૂર્કિ અને ઈરાકે પણ કટોકટીમાં કતારને ટેકો આપ્યો છે. ઈટાલીયન વિદેશ મંત્રીએ એવું કહ્યું કે આ ઘટનાક્રમમાં સંકળાયેલા દેશો વચ્ચે તંગદીલીને હળવી કરવા અને સંવાદને જાળવી રાખવા માટે ઈટાલીયન સરકાર તેમનુ યોગદાન આપવા તૈયાર છે.
Recent Comments