(એજન્સી) લાહોર,તા.૨૯
ગુરુ નાનકદેવની ૫૫૦મી જયંતી પર શીખ શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાન ૧ સપ્ટેમ્બરથી વિઝા પ્રક્રિયા શરુ કરશે. આ પ્રક્રિયા ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ આ વર્ષે નવેમ્બરમાં પૂરો કરી લેવામાં આવશે. ગુરુ નાનક જયંતી માટે કાર્યક્રમ નવેમ્બરથી શરુ થવાનો છે. પાકિસ્તાનની ધાર્મિક પર્યટન કમિટીએ બુધવારે થયેલી એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તેની અધ્યક્ષતા પંજાબના ગવર્નર સરવર ચૌધરીએ કરી હતી.
ચૌધરીએ કહ્યું, ૧૨ નવેમ્બરના આયોજિત થનારા સમારોહ માટે વિઝા ઈશ્યૂ કરવાની પ્રક્રિયા સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત અને અન્ય દેશોના શ્રદ્ધાળુ આ કાર્યક્રમ માટે વિઝા લઇ શકે છે. અમે નવેમ્બર સુધી કરતારપુર કોરિડોરનું કામ પૂરું કરી લેશું. તેને લઇને ભારત ઇચ્છુક હોય કે ન હોય. શીખ શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાનન આવવાનો રસ્તો આસાન કરવામાં આવશે.
કોરિડોરને પૂરો કરવાની કોશિષ કરી રહ્યા છીએ- પાકિસ્તાન
આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરા નાનક સ્થળને જોડશે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના વિશેષ પ્રતિનિધિ ફિરદૌસ આશિક અવાને રવિવારે કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હોવા છતા અમે કોરિડોરને ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતી પહેલા પૂરો કરવાની કોશિષ કરી રહ્યા છીએ.