(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા, તા.૧૧
સૌરાષ્ટ્ર કચ્છ અને બનાસકાંઠામાં સારો વરસાદ પડતાં કચ્છના નાના રણમાં પુષ્કળ વરસાદી પાણી આવતા આ વર્ષે ઝીંગાની સિઝન વહેલી શરૂ થશે. ત્યારે ઝીંગાની ખેતી કરવા પાગડીયા માછીમારોનું ટીકર, વેણાસર, બોડા, જોગણ સહિતના રણકાંઠા વિસ્તારમાં હરખ સાથે પૂરજોશથી આગમન થવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સારા વરસાદથી સાગર ખેડૂતો પણ પોતાના નાના બાળકો અને ઘરવખરી પશુઓ સાથે વહેલા પહોંચ્યા છે. આ વર્ષે વહેલી સિઝન શરૂ થવાથી માછીમારોને ઝીંગા પકડાશમાં સારી આવક થશે. જેથી ત્રણ માસ જેટલો સમય વિતાવવા માટે પોતાના માલઢોર ખાતે ઘરવખરી સાથે રણકાંઠે ધામા નાખે છે.
સાગરખેડુઓનું માનવું છે કે આ વર્ષે બનાસકાંઠામાં સારો વરસાદ પડતા બનાસ નદીનું વરસાદી પાણી કચ્છના નાના પકવવાની ખારી જમીનમાં વરસાદી પાણીનું મિશ્રણ થતાં પાણી ભાંભરૂ બની જાય છે અને બન્નેના મિશ્રણથી કુદરતી રીતે ઝીંગાનો ઉછેર થાય છે. પુષ્કળ પ્રમાણમાં ઝીંગા પકડાશ થાય છે અને સારી આવક મળે છે. આ વર્ષે મોટાપાયે સારું ઝીંગા ઉત્પાદન થશે તેવી આશા સાથે માછીમારો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. આ દૂર દૂરથી પોતાના ગામ ઘર છોડીને આશાનું કિરણ લઈને રણકાંઠે વસવાટ કરીને સારી સિઝન આવે તો માત્ર ત્રણ માસમાં આખા વર્ષનું ગુજરાન ચાલે તેવી કમાણી કરી શકે છે. હાલે માળિયામિંયાણા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના સાગર ખેડૂતો સિઝનમાં ઝીંગા પકડાશ કરવા માટે રણકાંઠે વસવાટ કરે છે અને સિઝન પૂરી થયા બાદ પોતાના વતન પરત ફરે છે.